<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ પ્રદર્શનને કારણે બંધ કરાયેલા તમામ છ મેટ્રો સ્ટેશનો ફરી શરૂ: DMRC દ્વારા પ્રતિબંધો પાછા ખેંચાયા

કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સવારે બંધ રાખવામાં આવેલા પટેલ ચોક, રાજીવ ચોક અને મંડી હાઉસ સહિતના તમામ સ્ટેશનો પર મુસાફરોની અવરજવર થઈ પૂર્વવત્

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસ અને વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલા તમામ મેટ્રો સ્ટેશનો આખરે ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા સોમવારે સાંજે જારી કરવામાં આવેલા તાજા અપડેટ મુજબ, નેટવર્ક હેઠળના તમામ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકવાના ગેટ સંપૂર્ણપણે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને સામાન્ય નાગરિકો માટે સેવાઓ પૂર્વવત્ કરી દેવાઈ છે.

 

અગાઉ સુરક્ષા એજન્સીઓની સૂચના અનુસાર, પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સચિવાલય અને બારાખંબા રોડ જેવા અત્યંત વ્યસ્ત મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકવાના ગેટ સોમવારે સવારે ૬ વાગ્યાથી જ અસ્થાયી ધોરણે બંધ રાખવામાં આવ્યા હતા. ડીએમઆરસી દ્વારા શરૂઆતમાં આ પ્રતિબંધો સાંજે ૪ વાગ્યા સુધી હટાવવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ વિરોધ પ્રદર્શનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર આ સમયગાળો લંબાવીને સાંજે ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો.

 

સાંજનો સમય પૂરો થતાં જ ડીએમઆરસીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે હવે દિલ્હી મેટ્રો નેટવર્કના તમામ સ્ટેશનો મુસાફરો માટે સંપૂર્ણપણે ખૂલી ગયા છે. આ સાથે જ સંબંધિત તમામ મુખ્ય સ્ટેશનો પર એક લાઇનથી બીજી લાઇનમાં બદલવા માટેની ઇન્ટરચેન્જ (Interchange) સુવિધાઓ પણ નિયમિત રીતે કાર્યરત કરી દેવામાં આવી છે.

 

મેટ્રો સ્ટેશનો બંધ રહેવાને કારણે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં અવરજવર કરતા હજારો મુસાફરો અને નોકરીિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા રૂટ પર ડાઇવર્ઝન લેવું પડ્યું હતું. જો કે, સાંજે સ્ટેશનો ફરીથી શરૂ થવાથી સામાન્ય જનતાને મોટી રાહત મળી છે અને શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થા ફરી એકવાર રાબેતા મુજબ ધમધમતી થઈ ગઈ છે.

(7:17 PM IST)