તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
સ્પિરિટ એરલાઈન્સની તમામ ફ્લાઈટ્સ રાતોરાત રદ: ૩૩ વર્ષ જૂની બજેટ એરલાઈન્સ પડી ભાંગી, ટ્રમ્પ વહીવટીતંત્રે બાઈડન સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી
મુસાફરોને રઝળતા બચાવવા પરિવહન સચિવ સીન ડફીની મોટી જાહેરાત; યુનાઈટેડ, ડેલ્ટા અને જેટબ્લ્યુ જેવી કંપનીઓ મર્યાદિત સમય માટે આપશે સસ્તા ટિકિટ દર અને રાહત

નેવાર્ક, : અમેરિકાની જાણીતી લો-કોસ્ટ એરલાઈન્સ 'સ્પિરિટ એરલાઈન્સ' (Spirit Airlines) એ શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે તેની વૈશ્વિક કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરલાઈન્સે જણાવ્યું હતું કે ગ્રાહક સેવા હવે ઉપલબ્ધ રહેશે નહીં અને મુસાફરો બીજી એરલાઈન્સમાં રીબુકિંગ કરી શકશે નહીં, જોકે રિફંડની પ્રક્રિયા આપોઆપ કરવામાં આવશે.
રાજકીય આક્ષેપબાજી અને પતનના કારણો
પરિવહન સચિવ સીન ડફીએ આ પતન માટે જો બાઈડન અને પીટ બુટિગીગની 'કટ્ટરપંથી નીતિઓ' ને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યું કે ૨૦૨૪ માં જેસ્ટબ્લ્યુ (JetBlue) અને સ્પિરિટના મર્જરને અટકાવીને બાઈડન વહીવટીતંત્રે અમેરિકન ગ્રાહકો અને એવિએશન વર્કફોર્સ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બીજી તરફ, સ્પિરિટના સીઈઓ ડેવ ડેવિસે વધતા ઈંધણના ભાવ અને તરલતાના અભાવને આ નિર્ણય પાછળના મુખ્ય કારણો ગણાવ્યા છે. એરલાઈન્સે ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ૨.૫ અબજ ડોલરથી વધુનું નુકસાન વેઠ્યું છે.
મુસાફરો માટે મદદની જાહેરાત
ટ્રમ્પ પ્રશાસને મુસાફરો રઝળી ન પડે તે માટે અન્ય એરલાઈન ભાગીદારોને સક્રિય કર્યા છે. જેટબ્લ્યુ અને સાઉથવેસ્ટ આગામી ૭૨ કલાક માટે સસ્તા દરે મુસાફરી પૂરી પાડશે, જ્યારે ડેલ્ટા પાંચ દિવસ અને યુનાઈટેડ આગામી બે અઠવાડિયા સુધી સ્પિરિટના ગ્રાહકો માટે ટિકિટના દરો મર્યાદિત (Capped) રાખશે. સાઉથવેસ્ટની ટિકિટ માટે મુસાફરોએ રૂબરૂ એરપોર્ટ જવું પડશે.
હજારો કર્મચારીઓની આજીવિકા પર સંકટ
એરલાઈન્સ બંધ થવાથી માત્ર મુસાફરો જ નહીં, પરંતુ હજારો કર્મચારીઓ પણ બેરોજગાર બન્યા છે. એસોસિએશન ઓફ ફ્લાઇટ એટેન્ડન્ટ્સ (AFA) એ અસરગ્રસ્ત કર્મચારીઓ માટે રિસોર્સ પેજ શરૂ કર્યું છે. અમેરિકન એરલાઈન્સ અને યુનાઈટેડ જેવી કંપનીઓ સ્પિરિટના કર્મચારીઓને નોકરીની નવી તકો પૂરી પાડવા માટે વિશેષ માઈક્રોસાઈટ્સ બનાવી રહી છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા મુજબ, અન્ય મુખ્ય એરલાઈન્સ સ્પિરિટના સ્ટાફને ઘરે પહોંચાડવા માટે ટ્રાવેલ પાસની સુવિધા પણ આપશે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
