<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી: ગેરકાયદે અટકાયત કેસમાં CCTV ગાયબ થતાં કહ્યું– "તમે તો જૂઠા લોકોનું ટોળું છો!"

દેવરિયા પોલીસ સ્ટેશનમાં ૪ નાગરિકોને ગેરકાયદે પૂરી રાખવાના વિવાદમાં હાઈકોર્ટે રૂ. ૬૫,૦૦૦નો દંડ ફટકાર્યો, SHO ના પગારમાંથી રકમ વસૂલવા અને નોકરીમાંથી બરતરફ કરવા સુધીની કડક મૌખિક ટિપ્પણી કરી.

પ્રયાગરાજ (અલ્હાબાદ), તા.૧૦: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં પોલીસની દાદાગીરી અને શંકાસ્પદ કામગીરી સામે અલ્હાબાદ હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ગૌરી બજાર પોલીસ સ્ટેશનમાં ચાર નાગરિકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના ગંભીર આરોપ અંગેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેવરિયાના પોલીસ વડા (SP) અને સંબંધિત સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ની જોરદાર ઝાટકણી કાઢી હતી. કોર્ટે પોલીસ અધિકારીઓની દલીલોને ફગાવી દેતા તેમને રોકડું સંભળાવી દીધું હતું કે, "તમે બધા જૂઠા લોકોનું ટોળું (Bunch of Liars) છો!"


CCTV ફૂટેજ ગાયબ થતાં કોર્ટ લાલઘૂમ
જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ દિવેશ ચંદ્ર સામંતની બેન્ચે હેબિયસ કોર્પસ (Habeas Corpus) અરજી પર સુનાવણી કરતા પોલીસ સ્ટેશનના અંદરના ૧૩ થી ૨૩ એપ્રિલ સુધીના CCTV ફૂટેજ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જોકે, SHOએ એવું બહાનું બતાવ્યું હતું કે તે દિવસોમાં સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાથી રેકોર્ડિંગ ઉપલબ્ધ નથી.

જેના પર કોર્ટે પૂછ્યું કે, "જો સિસ્ટમ બગડી હતી તો જનરલ ડાયરી (GD) માં એન્ટ્રી કેમ ન કરી?" SHO પાસે એનો કોઈ જવાબ નહોતો. જ્યારે દેવરિયા SP એ માફી માગવાનો પ્રયાસ કર્યો ત્યારે કોર્ટે ગુસ્સામાં કહ્યું, "અમારી માફી ન માગો, સામાન્ય જનતાની માફી માગો જેને તમે હેરાન કરો છો!"

અદાલતની આકરી ટિપ્પણીઓ અને પગલાં:
• SHO સામે કાર્યવાહી: "જે પોલીસ અધિકારી GD માં નોંધ પણ ન કરી શકે, તે કોન્સ્ટેબલ બનવાને પણ લાયક નથી. તેને તાત્કાલિક બરતરફ કરવો જોઈએ."
• વળતરનો આદેશ: પીડિત ૪ નાગરિકોને રૂ. ૬૫,૦૦૦ ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ અને આ રકમ દોષિત SHOના પગારમાંથી વસૂલવાની મંજૂરી.
• બજેટનો દુરુપયોગ: CCTV માટે સરકારે ફાળવેલા રૂ. ૪૬ લાખ ક્યાં વપરાયા તે અંગે યોગ્ય માહિતી ન આપવા બદલ તંત્રની ઝાટકણી.
કોર્ટના આદેશ બાદ જ પોલીસ જાગી!
હાઈકોર્ટે નોંધ્યું હતું કે પોલીસે જે પણ કાગળિયા કે કાર્યવાહી દર્શાવી છે તે ૪ ઓગસ્ટના રોજ અદાલતે આપેલી નોટિસ બાદ જ ઉતાવળે કરવામાં આવી છે. સરકારી એજન્સીઓને CCTVના કામ માટે પૂરેપૂરું ફંડ આપી દેવા છતાં કામ પૂરું ન થવા બદલ અને એજન્સીને બ્લેકલિસ્ટ ન કરવા બદલ પણ કોર્ટે પોલીસ પ્રશાસનને આડે હાથ લીધું હતું. આ ચુકાદાથી યુપી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(4:04 PM IST)