તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો: "માત્ર આર્ય સમાજ મંદિરનું પ્રમાણપત્ર કાયદેસરના હિન્દુ લગ્ન સાબિત કરવા માટે પૂરતું નથી"
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન વગર થયેલા લગ્ન કાયદાની નજરમાં અમાન્ય: SSB અધિકારીને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ રદ કરી અદાલતે તાત્કાલિક સેવામાં પુનઃસ્થાપિત કરવાનો આપ્યો નિર્દેશ

પ્રયાગરાજ : હિન્દુ લગ્ન અધિનિયમને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આર્ય સમાજ મંદિર દ્વારા જારી કરાયેલું લગ્ન પ્રમાણપત્ર એ વાતનો આખરી પુરાવો બની શકે નહીં કે હિન્દુ કાયદા હેઠળ નિર્ધારિત જરૂરી વિધિ-વિધાનો અને રીતિ-રિવાજો પૂર્ણ કરીને માન્ય લગ્ન સંપન્ન થયા હતા. હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ જ્યાં સુધી જરૂરી શાસ્ત્રોક્ત વિધિઓ (જેમ કે સપ્તપદી વગેરે) ન થઈ હોય, ત્યાં સુધી માત્ર મંદિરનું પ્રમાણપત્ર લગ્નને કાયદાકીય માન્યતા આપી શકતું નથી.
ન્યાયમૂર્તિ રાજીવ સિંહની સિંગલ બેન્ચે સશસ્ત્ર સીમા બલ (SSB) ના અધિકારી રોહિત પાંડેની અરજી પર આ સણસણતો ચુકાદો સંભળાવ્યો હતો. SSB એ પાંડેને પોતાની વૈવાહિક સ્થિતિ અંગે ખોટી માહિતી આપવાના આરોપસર ૨૮ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સેવામાંથી બરતરફ કર્યા હતા. પાંડે સામે સુચેતા તિવારી નામના મહિલાએ ફરિયાદ કરી હતી કે ઓગસ્ટ ૨૦૦૭ માં બંનેના આર્ય સમાજ મંદિરમાં લગ્ન થયા હતા, જ્યારે પાંડેએ નોકરીમાં જોડાતી વખતે પોતાને અપરિણીત દર્શાવ્યા હતા. SSB એ મંદિરના પૂજારીની ગવાહી અને નોટરી પ્રમાણપત્રના આધારે પાંડેને દોષિત માનીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાનો સંદર્ભ અને નોકરીમાં વાપસીનો આદેશ
રોહિત પાંડેએ આ આદેશને અદાલતમાં પડકારતાં દલીલ કરી હતી કે લગ્નની કોઈ શાસ્ત્રોક્ત વિધિ થઈ નહોતી. એટલું જ નહીં, સંબંધિત ફોજદારી કેસમાં ફરિયાદી મહિલાએ પણ સ્વીકાર્યું હતું કે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા નહોતા. અલ્હાબાદ હાઈકોર્ટે ૧૯૭૧ ના સુપ્રીમ કોર્ટના 'પ્રિયા બાલા ઘોષ વિરુદ્ધ સુરેશ ચંદ્ર ઘોષ' કેસના ઐતિહાસિક ચુકાદાને ટાંકીને ઠરાવ્યું હતું કે કાયદાની નજરમાં વિધિ-વિધાન વગર થયેલા લગ્ન અમાન્ય છે.
આથી, પાંડે પર ખોટી માહિતી આપવાનો આરોપ ટકી શકતો નથી. અદાલતે SSB નો બરતરફીનો આદેશ રદ કરીને રોહિત પાંડેને તાત્કાલિક નોકરી પર પાછા લેવાનો આદેશ આપ્યો છે, તેમજ ૨૦૨૨ થી અત્યાર સુધીના સમયગાળાને સેવા નિરંતરતા (continuity of service) સાથે ગણવા નિર્દેશ આપ્યો છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
