હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશયી મામલે બેદરકારીના આરોપો:વધુ 3 વધુ એન્જિનિયર સસ્પેન્ડ
MCDના આદેશ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઝોનના બિલ્ડિંગ વિભાગમાં ફરજ બજાવતા રવિન્દ્ર કુમાર, સહાયક ઇજનેર (AE), સુમન સૌરભ, જુનિયર ઇજનેર (JE) અને મોહિત યાદવ, જુનિયર ઇજનેર (JE)ને સસ્પેન્ડ કરાયા

નવી દિલ્હી :દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાના કેસમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ વધુ કડક કાર્યવાહી કરી છે. ગેરકાયદે બાંધકામ સામે સમયસર પગલાં ન લેવા અને ફરજમાં બેદરકારીના આરોપસર બિલ્ડિંગ વિભાગના ત્રણ વધુ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
MCDના આદેશ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઝોનના બિલ્ડિંગ વિભાગમાં ફરજ બજાવતા રવિન્દ્ર કુમાર, સહાયક ઇજનેર (AE), સુમન સૌરભ, જુનિયર ઇજનેર (JE) અને મોહિત યાદવ, જુનિયર ઇજનેર (JE)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નિગમના જણાવ્યા મુજબ, આ અધિકારીઓ પર અનધિકૃત બાંધકામ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી ન કરવા અને પોતાની સત્તાવાર ફરજ યોગ્ય રીતે ન બજાવવાનો આરોપ છે. સક્ષમ અધિકારીના આદેશ બાદ લાગુ સેવા નિયમો હેઠળ ત્રણેય સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી કેસમાં આ પહેલી કાર્યવાહી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉ પણ એક ડેપ્યુટી કમિશનર સહિત ચાર અન્ય એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે વધુ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી થતાં કેસમાં જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વધુ કડક બની છે.
આ કાર્યવાહી સાથે MCDએ પોતાના તમામ ઝોનલ અધિકારીઓને નિયમોના ઉલ્લંઘન અંગે સમયસર પગલાં લેવા સૂચના આપી છે. અનધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરવામાં કોઈ પ્રકારની ઢીલાશ ન રાખવા પણ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.નિગમનું કહેવું છે કે કામગીરીમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે અને નિયમો મુજબ તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. સત્ય નિકેતન કેસમાં સતત થઈ રહેલી કાર્યવાહીથી MCDની જવાબદારી અને બાંધકામ નિયમોના પાલનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
