તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
દિલ્હીની રામલીલામાં રાવણની સાથે 30 ફૂટ ઊંચા ‘કોકરોચ’નું પણ થશે દહન
આયોજકોએ સ્વચ્છતાનો સંદેશ આપતી પહેલ ગણાવી; CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા પર રાજકીય આશય હોવાની ચર્ચા

નવી દિલ્હી : દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં યોજાનારી રામલીલામાં આ વખતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે 30 ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. શ્રી કેશવ રામલીલા સમિતિએ કોકરોચને ગંદકી અને અસ્વચ્છતાનું પ્રતીક ગણાવી આ પહેલ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
‘સ્વચ્છ ભારત અને સ્વચ્છ દિલ્હીનો સંદેશ’
સમિતિના અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય અશોક ગોયલના જણાવ્યા પ્રમાણે, કોકરોચના પૂતળાનું દહન ‘સ્વચ્છ ભારત’ અને ‘સ્વચ્છ દિલ્હી’ અભિયાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. રામલીલામાં કોકરોચને રાવણની સેનાના અસુર તરીકે દર્શાવી તેનો અંત કરવામાં આવશે.
ગોયલે આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ હોવાનો ઇનકાર કરતાં કહ્યું કે દશેરાના પર્વે અનિષ્ટ પર સત્યના વિજયની સાથે સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર નિર્ણય સામે સવાલ
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનો ચર્ચામાં છે. તેના કારણે સોશિયલ મીડિયાના કેટલાક યુઝર્સે ધાર્મિક કાર્યક્રમમાં કોકરોચનું પૂતળું સામેલ કરવા પાછળ રાજકીય સંદેશ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
કેટલાક યુઝર્સનું કહેવું છે કે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવને વર્તમાન રાજકીય વિવાદોથી દૂર રાખવો જોઈએ. બીજી તરફ કેટલાક લોકો આ પહેલને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ ગણાવી સમર્થન આપી રહ્યા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
