News of Thursday, 8th October 2026
૧૬ વર્ષની વયે અદ્ભુત સિદ્ધિ: બેલ્જિયમના પ્રતિભાશાળી યુવાને ૧૫ વર્ષની ઉંમરે પીએચડી પૂર્ણ કર્યા બાદ હવે બીજી પીએચડી મેળવવાની શરૂ કરી તૈયારી
ક્વોન્ટમ ફિઝિક્સમાં સફળતા મેળવ્યા બાદ લોરેન્ટ સિમોન્સ હવે મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા માનવ આયુષ્ય અને સ્વાસ્થ્યના રહસ્યો ઉકેલવા તરફ અગ્રેસર

બ્રસેલ્સ : વિશ્વભરમાં પોતાની અસાધારણ બૌદ્ધિક ક્ષમતાઓથી જાણીતા બનેલા ૧૬ વર્ષના બેલ્જિયન યુવાન લોરેન્ટ સિમોન્સે ફરી એકવાર શૈક્ષણિક જગતમાં મોટું આશ્ચર્ય સર્જ્યું છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે એન્ટવર્પ યુનિવર્સિટીમાંથી ક્વોન્ટમ ફિઝિક્સ જેવા અત્યંત જટિલ વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવનાર લોરેન્ટે હવે ૧૬ વર્ષની વયે મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં પોતાની બીજી પીએચડી શરૂ કરી દીધી છે. તેમની આ અદ્ભુત પ્રતિભા અને શીખવાની અદભુત ગતિએ વૈજ્ઞાનિક સમુદાયનું પણ ધ્યાન ખેંચ્યું છે.
લોરેન્ટ સિમોન્સની શૈક્ષણિક સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે, કેમ કે સામાન્ય વિદ્યાર્થીઓ જ્યારે ૧૫ વર્ષની ઉંમરે શાળાકીય અભ્યાસમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ યુવાને માત્ર ૮ વર્ષની વયે હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કરી લીધું હતું. ત્યારબાદ તેમણે માત્ર ૧૮ મહિનાના ટૂંકા સમયગાળામાં ભૌતિકશાસ્ત્રનો ૩ વર્ષનો સ્નાતક (બી.ટેક/બી.એસસી.) અભ્યાસક્રમ પૂરો કરીને ૧૨ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન મેળવ્યું હતું. ૧૪૫ જેટલો ઊંચો આઈક્યુ ધરાવતા લોરેન્ટે પ્રખ્યાત મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોન્ટમ ઓપ્ટિક્સમાં કામ કર્યા બાદ બોસ પોલરોન્સ પર સંશોધન કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ક્વોન્ટમ ફિઝિક્સમાં મોટી સફળતા મેળવ્યા બાદ હવે તેમણે માનવ શરીર, જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ તેઓ મ્યુનિકમાં રહીને બીજી પીએચડી કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વોન્ટમ ફિઝિક્સ, જૈવિક ડેટા અને કૃત્રિમ બુદ્ધિને એકસાથે જોડીને માનવ શરીરની વૃદ્ધત્વ પ્રક્રિયા અને ગંભીર રોગોના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજવાનો છે. યુએસ અને ચીનની અગ્રણી ટેક કંપનીઓ દ્વારા તેમને આકર્ષક ઓફરો આપવામાં આવી હોવા છતાં તેમણે નોકરીને બદલે માનવજાત માટે ઉપયોગી ટેકનોલોજી વિકસાવવાનું લક્ષ્ય પસંદ કર્યું છે.
આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર નષ્ટ કરીએ તો, ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે પીએચડી મેળવવાનો રેકોર્ડ ૧૮૧૪માં ૧૩ વર્ષ અને ૨૮૩ દિવસની વયે ડોક્ટરેટ મેળવનાર કાર્લ વિટ્ટેના નામે છે, જેમાં હવે લોરેન્ટ સિમોન્સનું નામ પણ ગર્વપૂર્વક ઉમેરાઈ ગયું છે. યુવા વયે આ પ્રકારની સિદ્ધિ મેળવનારાઓમાં ડોરોથી જીન ટિલમેન અને શો યાનો જેવા ગણ્યાગાંઠ્યા પ્રતિભાશાળી યુવાનોનો સમાવેશ થાય છે.
લોરેન્ટનું અંતિમ સ્વપ્ન એવી તકનીક વિકસાવવાનું છે જે માનવ આયુષ્યમાં વધારો કરી શકે અને લોકોને અસાધારણ ક્ષમતાઓથી સશક્ત બનાવીને વધુ ઉન્નત બનાવી શકે. આજના વૈજ્ઞાનિક યુગમાં તેમની આ અદ્ભુત યાત્રા યુવા પેઢી માટે એક સીમાચિહ્ન સમાન સાબિત થઈ રહી છે અને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો તેમના આગામી સંશોધનો પર મીટ માંડીને બેઠા છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
