તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઇજનેરી ક્ષેત્રે અદભુત ચમત્કાર: તમિલનાડુથી ૧૩૦૦ કિલોમીટર દૂર મુંબઈ લાવવામાં આવ્યો ૧૪૦૫ ટન વજનનો વિશાળ સ્ટીલ બ્રિજ!
થાણેના ભિવંડીમાં નાશિક હાઇ-વે પર બેસાડવામાં આવેલા આ મહાકાય બ્રિજની અનોખી સફર: ત્રિચીમાં નિર્માણ પામેલા સ્ટીલના ભાગોને ખાસ ટ્રેલર દ્વારા લાવીને એસેમ્બલી કરવાની અદ્ભુત ગાથા

મુંબઈ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને દેશમાં અત્યારે હાઇ-સ્પીડ કોરિડોરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે ઇજનેરી કૌશલ્યનો એક અદ્ભુત નમૂનો સામે આવ્યો છે. થાણેના ભિવંડીમાં બુલેટ ટ્રેન માટે ૧,૪૦૫ ટન વજન અને ૧૦૦ મીટર લંબાઈ ધરાવતો એક વિશાળ સ્ટીલ બ્રિજ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બ્રિજને જોઈને સામાન્ય માણસને એવું થાય કે તેનું નિર્માણ સ્થાનિક સ્તરે જ થયું હશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ મહાકાય બ્રિજ તમિલનાડુના ત્રિચીથી અંદાજે ૧,૩૦૦ કિલોમીટરનું લાંબુ અંતર કાપીને મહારાષ્ટ્ર પહોંચ્યો છે. આ બ્રિજનું પરિવહન અને એસેમ્બલી કોઈ રોમાંચક કહાનીથી કમ નથી.
ત્રિચીથી શરૂ થઈ સફર: હાઇ-વે અને નદી-નાળા વટાવીને મહારાષ્ટ્ર પહોંચ્યા સ્ટીલના ટુકડાઓ
આ વિશાળ માળખાનું નિર્માણ તમિલનાડુના ત્રિચી ખાતે આવેલા વર્કશોપમાં કરવામાં આવ્યું હતું, જ્યાં કટિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગ સહિતની તમામ ટેક્નિકલ પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ બાદ સૌથી મોટો પડકાર આટલા ભારે બ્રિજને ૧,૩૦૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાનો હતો. રસ્તામાં અનેક હાઇ-વે, નદીઓ અને રેલવે ક્રોસિંગ હોવાથી આખા બ્રિજને એકસાથે લઈ જવું અશક્ય હતું. આથી, ઇજનેરોએ બ્રિજને અલગ-અલગ ભાગોમાં વહેંચીને વિશેષ ટ્રેલરો મારફતે તબક્કાવાર ભિવંડીના દિવે-અંજુર ખાતે પહોંચાડ્યો હતો.
જમીનથી ૧૭.૫ મીટર ઊંચાઈએ ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ થઈને હાઇ-વે પર થયો ફિટ
ભિવંડી પહોંચ્યા બાદ આ તમામ ભાગોને જમીનથી આશરે ૧૭.૫ મીટર ઊંચા કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર ગોઠવીને ૫૪,૦૭૬ હાઇ-સ્ટ્રેન્થ ટોર-શિયર બોલ્ટ અને સ્કિડ એરેન્જમેન્ટની મદદથી ૧૦૦ મીટર લાંબો મૂળ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓટોમેટિક લોન્ચિંગ મિકેનિઝમ, હોલો જેક્સ અને પ્રિ-ટેન્શન મેકએલોય બારની મદદથી રાત્રિના સમયે ટ્રાફિક બ્લોક લઈને આ ૧,૪૦૫ ટનના વિશાળ માળખાને નાશિક હાઇ-વે (NH-3) પર તેની નિર્ધારિત જગ્યાએ સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે, જેણે ભારતીય રેલવે ઇજનેરીનો ડંકો સમગ્ર દેશમાં વગાડી દીધો છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
