News of Monday, 20th July 2026
એમેઝોન પરથી રાતોરાત આવ્યો ₹૧.૪૪ લાખ કરોડનો આંચકો:યુઝર્સના હોશ ઊડી ગયા, એમેઝોને આપી સ્પષ્ટતા!
સવારે ફોન સ્ક્રીન પર ૧.૫ ટ્રિલિયન ડોલરનું અશક્ય બિલ જોઈને વિશ્વભરના ડેવલપર્સ અને યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા: એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ની ગ્લોબલ ગ્લીચે મચાવ્યો ભારે હડકંપ

નવી દિલ્હી : કલ્પના કરો કે તમે સવારે ઉઠીને તમારો ફોન ચેક કરો અને તમારી સ્ક્રીન પર ₹૧,૪૪,૬૧૬ કરોડ ($૧.૫ ટ્રિલિયન) નું દેવું દેખાય! સામાન્ય માણસ માટે આ કોઈ હોરર ફિલ્મના દ્રશ્યથી ઓછું નથી, પરંતુ એમેઝોન વેબ સર્વિસીસ ના લાખો યુઝર્સ સાથે રાતોરાત આવું જ બન્યું હતું. એક ભારતીય ટેક યુઝરે જ્યારે પોતાનું AWS બિલિંગ કન્સોલ ખોલ્યું ત્યારે આ અશક્ય આંકડો જોઈને તેને મોટો આંચકો લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું કે, "આ આંકડો જોઈને મારો આત્મા જ શરીર છોડી ગયો હતો." જોકે, બાદમાં સામે આવ્યું કે આ ખરેખર કોઈ ચાર્જ નહોતો પરંતુ એમેઝોનના સિસ્ટમમાં આવેલી એક મોટી વૈશ્વિક ટેકનિકલ ખામી (Bug) હતી.
આ વિચિત્ર ઘટના માત્ર એકાદ યુઝર પૂરતી સીમિત નહોતી, પરંતુ ભારત, યુકે, યુરોપ અને યુએસ સુધી ફેલાયેલી હતી. દિલ્હીના સચિન નામના વિદ્યાર્થીને, જે સામાન્ય રીતે મહિને માત્ર ₹૧૨૦ ($૧.૨૮) વાપરે છે, તેને $૧૦.૯ બિલિયનનું અંદાજિત બિલ બતાવવામાં આવ્યું હતું. આવી જ રીતે યુકેની એક નાની ચેરિટી સંસ્થાને $૭.૮ બિલિયનનું બિલ મળ્યું હતું, જ્યારે રેડિટ પર કેટલાક યુઝર્સે તો $૭ ટ્રિલિયન સુધીના ખોટા બિલના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. કોઈપણ પ્રકારનો ક્લાઉડ વપરાશ વધાર્યા વગર બિલિંગ અંદાજમાં અચાનક ૭૪૪ અબજ ટકાનો વધારો જોઈને વિશ્વભરના સોફ્ટવેર એન્જિનિયરો અને સંસ્થાઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
બનાવ અંગે ચિંતા વધતાં એમેઝોન વેબ સર્વિસીસે સત્તાવાર નિવેદન બહાર પાડીને ભૂલનો સ્વીકાર કર્યો હતો. કંપનીએ સ્પષ્ટતા કરી કે ૧૬ અને ૧૭ જુલાઈ દરમિયાન બિલિંગ કન્ફિગરેશનમાં ફેરફાર કરતી વખતે એક ટેકનિકલ ભૂલ થઈ હતી, જેના કારણે યુનિટ કન્વર્ઝન ડેટા ખોટો ગણાઈ ગયો હતો અને કિંમતો અબજો ગણી વધારે દેખાવા લાગી હતી. એમેઝોને ગ્રાહકોને ખાતરી આપી હતી કે આ ભૂલ માત્ર અંદાજિત બિલિંગ ડિસ્પ્લે સુધી જ મર્યાદિત હતી અને કોઈ પણ ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી વાસ્તવિક નાણાં કાપવામાં આવ્યા નથી. બે દિવસના તીવ્ર પ્રયાસો બાદ હવે આ ટેકનિકલ ખામીને સંપૂર્ણપણે સુધારી લેવામાં આવી છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
