<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ધીરૂભાઈનાં સ્‍વપ્‍નોને અંબાણી પરિવારે અકલ્‍પનીય પ્રગતિ સાથે સાકાર કર્યાં: પરિમલ નથવાણી

ધીરૂભાઈના વતન ચોરવાડમાં જિયોની સફળતાનો જયઘોષઃ ૨૫ હજારથી વધુ ગ્રામજનોનું સમૂહભોજન, લોકડાયરાની રમઝટઃ જિયો પ્‍લેટફોર્મ્‍સના પબ્‍લિક ઇશ્‍યુના શાનદાર લિસ્‍ટિંગની ભવ્‍ય ઉજવણી

(મુકુંદ બદિયાણી-દિપક કક્કડ  દ્વારા) જામનગર-વેરાવળ તા.૩૦: જિયો પ્‍લેટફોર્મ્‍સના પબ્‍લિક ઇશ્‍યુનું ૨૧ ટકાથી વધુ પ્રીમિયમ સાથે લિસ્‍ટિંગ થતાં ધીરૂભાઈ અંબાણીના વતન ચોરવાડમાં બુધવારે રાત્રે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સમૂહભોજન અને લોકડાયરાના આયોજનમાં ૨૫ હજારથી વધુ ગ્રામજનો સહભાગી બન્‍યા હતા. આ પ્રસંગે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્‍ટર અને રાજ્‍યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

ચોરવાડવાસીઓને અંબાણી પરિવાર સાથેના આત્‍મીય સંબંધોની અનુભૂતિ કરાવતાં શ્રી નથવાણીએ ધીરૂભાઈ અને કોકિલાબેન સાથે વિતાવેલી પળોનાં સંસ્‍મરણો વાગોળ્‍યાં હતાં. તેમણે વર્ષ ૧૯૯૫માં ધીરુભાઈ અને કોકિલાબેન સાથે ચોરવાડ તથા કુકસવાડાની ત્રણ દિવસની મુલાકાતને યાદ કરી હતી. એ મુલાકાતના સાથીઓ અને પ્રસંગોના સાક્ષીઓને પણ તેમણે મંચ પરથી ખાસ યાદ કર્યા હતા.

ભાવુક સ્‍વરે શ્રી પરિમલભાઈએ કહ્યું હતું કે, ધીરુભાઈના સ્‍વપ્ન સમી રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝે વૈશ્વિક સ્‍તરે જે રીતે પ્રગતિ કરી છે, એ જ રીતે જિયો પ્‍લેટફોર્મ્‍સે પણ સફળતાનો નવો કીર્તિમાન સ્‍થાપિત કર્યો છે. મુકેશ અંબાણી અને તેમનાં સંતાનો આકાશ, ઈશા તથા અનંતે ધીરુભાઈનાં સ્‍વપ્નોને અકલ્‍પનીય પ્રગતિ સાથે સાકાર કર્યાં છે. આ સિદ્ધિ અંબાણી પરિવારની સાથે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.

રિલાયન્‍સના પ્રારંભિક પબ્‍લિક ઇશ્‍યુનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, તે સમયે રોકાણકારોએ ધીરુભાઈ પર મૂકેલો વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પ્રત્‍યે અકબંધ છે. જિયોના સફળ લિસ્‍ટિંગમાં રોકાણકારોના આ વિશ્વાસનું પ્રતિબિંબ જોવા મળે છે.

શ્રી નથવાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ધીરૂભાઈ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો આઈપીઓ લાવ્‍યા ત્‍યારે તેમણે ચોરવાડવાસીઓને શેર આપવાથી માંડીને પોતાની દરેક નાની-મોટી ખુશીમાં સહભાગી બનાવ્‍યા હતા. આજે જિયો પ્‍લેટફોર્મ્‍સની સફળતાની ઉજવણીમાં પણ અંબાણી પરિવાર ધીરુભાઈના વતનને ભૂલ્‍યો નથી. પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ વતન સાથેના તોહ અને સહભાગિતાનો આ વારસો જાળવી રાખ્‍યો છે.

તેમણે ચોરવાડ અને આસપાસના વિસ્‍તારના લોકો માટે અંબાણી પરિવાર દ્વારા ઊભી કરવામાં આવેલી આરોગ્‍ય તથા શિક્ષણની સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વર્ષ ૨૦૧૭થી કાર્યરત ધીરૂભાઈ અંબાણી મેડિકલ અને કમ્‍પ્‍યુટર સેન્‍ટર, શ્રી એચ. જી. અંબાણી ગર્લ્‍સ હાઇસ્‍કૂલ અને કુકસવાડામાં નવનિર્મિત શ્રી એચ. જી. અંબાણી હાયર સેકન્‍ડરી સ્‍કૂલને યાદ કરીને તેમણે ગ્રામવિકાસ પ્રત્‍યેની પરિવારની પ્રતિબદ્ધતા વર્ણવી હતી.

આ ઉજવણીમાં અંબાણી પરિવારના સભ્‍ય તરીકે ઉપસ્‍થિત રહેવાની તક આપવા બદલ શ્રી નથવાણીએ અંબાણી પરિવારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. રિલાયન્‍સની વૈશ્વિક પ્રગતિમાં સહયોગ આપવા બદલ તેમણે રિલાયન્‍સ અને અંબાણી પરિવાર વતી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો પણ વિશેષ આભાર માન્‍યો હતો.

સમૂહભોજનમાં ૨૫ હજારથી વધુ ગ્રામજનોએ પ્રીતિભોજનનો આસ્‍વાદ માણ્‍યો હતો. ત્‍યારબાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી અને લોકગાયિકા ઉર્વશી રાદડિયાની રજૂઆતોએ હજારો શ્રોતાઓને ઝૂમાવ્‍યા હતા. હાસ્‍યકલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્‍ય અને રમૂજ રજૂ કરીને ઉપસ્‍થિત સૌને ખડખડાટ હસાવ્‍યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્‍ય વિમલ ચુડાસમા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

પેઢીઓ બદલાઈ, વતન સાથેનો નાતો અકબંધ

ધીરૂભાઈ અંબાણીએ ચોરવાડવાસીઓને પોતાની પ્રગતિ અને ખુશીઓમાં સહભાગી બનાવવાની પરંપરા સ્‍થાપી હતી. પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું હતું કે, અંબાણી પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ પણ આ વારસો જાળવ્‍યો છે. જિયોની સફળતાની ઉજવણીથી માંડીને આરોગ્‍ય અને શિક્ષણની સુવિધાઓ સુધી, પરિવારનો ચોરવાડ સાથેનો આત્‍મીય સંબંધ સતત જીવંત રહ્યો છે. વર્ષ ૧૯૯૫ની ધીરુભાઈ અને કોકિલાબેન સાથેની મુલાકાતનાં સંસ્‍મરણોએ આ સંબંધની યાદો તાજી કરી હતી.(૨.૨)

રાજભા-ઉર્વશીના સૂરે ચોરવાડ ઝૂમ્‍યું, હિતેશ અંટાળાએ હાસ્‍ય રેલાવ્‍યું

૨૫ હજારથી વધુ ગ્રામજનોના પ્રીતિભોજન બાદ લોકડાયરાએ ઉજવણીમાં રંગ જમાવ્‍યો હતો. રાજભા ગઢવીની આગવી શૈલી અને ઉર્વશી રાદડિયાના સૂરોએ શ્રોતાઓને ઝૂમાવ્‍યા હતા. હિતેશ અંટાળાની તળપદી રમૂજ અને હાસ્‍યરસભરી રજૂઆતોએ માહોલને વધુ જીવંત બનાવ્‍યો હતો. લોકસાહિત્‍ય, સંગીત અને હાસ્‍યના સંગમે ચોરવાડની ઉજવણીને યાદગાર બનાવી હતી.

(11:23 AM IST)