News of Thursday, 23rd July 2026
હિમાચલમાં કુદરતના કોપ વચ્ચે દેવદૂત બન્યો એમ્બ્યુલન્સ કર્મી: ચંબામાં પહાડો પરથી પથ્થરો વરસતા હતા ને સ્ટાફે છાતીએ સરસાં ચાંપી ૭ મહિનાના ભૂલકાંનો જીવ બચાવ્યો!
મોતના મુખમાંથી શિશુને ઉગારી લેતો રોમાંચક વીડિયો વાયરલ: સોશિયલ મીડિયા પર રિયલ હીરોની હિંમતને લાખો યુઝર્સ સલામ કરી રહ્યા છે

શિપકી લા / ચંબા : પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો મુશળધાર વરસાદ અને ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) કાળ બનીને ત્રાટકી રહ્યા છે. ચંબા જિલ્લામાં કુદરતના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે માનવતા અને અપ્રતિમ હિંમતનું એક એવું ઉદાહરણ સામે આવ્યું છે, જે જોઈને કોઈના પણ રવાંડા ઊભા થઈ જાય. ભયાનક ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ જતાં અને ઉપરથી સતત પથ્થરો ધસી પડતા હોવા છતાં, એક એમ્બ્યુલન્સ સ્ટાફે પોતાના જીવની પરવા કર્યા વગર એક ૭ મહિનાના અબોલ બાળકને પોતાની છાતીએ વળગાડીને સુરક્ષિત પાર કરાવ્યું હતું.
દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર રોમાંચક બચાવ કામગીરીનો વીડિયો X (ટ્વિટર) પર નિખિલ સૈની નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે ક્ષણવારમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે:
· જોખમી ભૂપ્રદેશ: પહાડી રસ્તો ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યો છે. રસ્તા પર મોટા-મોટા પથ્થરો, છૂટા ખડકો અને જાડો કાદવ પથરાયેલો છે, જ્યારે ઉપરની અસ્થિર ટેકરી પરથી ગમે ત્યારે મોટો પહાડ ધસી પડે તેમ હતો.
· છાતીએ વળગાડીને દોડ: આ ગંભીર ભય વચ્ચે નારંગી-લાલ રંગનું જેકેટ પહેરેલો એમ્બ્યુલન્સ સ્ટાફ સભ્ય બાળકને કાપડમાં સુરક્ષિત લપેટીને પોતાની છાતી સરસો ચાંપીને અસમાન રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે.
· ઝડપ અને સાવચેતી: પહાડ પરથી પથ્થર પડવાનો સૌથી વધુ ભય હતો તે ભાગમાંથી તે ઝડપથી દોડીને નીકળી ગયો હતો જેથી માસૂમ શિશુને સમયસર હોસ્પિટલ કે સુરક્ષિત સ્થળે પહોંચાડી શકાય.
સોશિયલ મીડિયા યુઝર્સે બિરદાવી 'રિયલ હીરો'ની બહાદુરી
આ હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ આ એમ્બ્યુલન્સ વર્કરની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેને "વાસ્તવિક જીવનનો સુપરહીરો" ગણાવી રહ્યા છે. યુઝર્સે કોમેન્ટ કરતાં લખ્યું કે, "કોઈ અજાણ્યા બાળકનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણ દાવ પર લગાવી દેવા એ જ સાચી માનવસેવા છે. આ જવાન તમામ માન-સન્માન અને એવોર્ડનો હકદાર છે."
હિમાચલમાં જનજીવન અસ્તવ્યસ્ત, ફ્રન્ટલાઈન વર્કર્સ બન્યા આશરો
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ચંબા સહિત અનેક જિલ્લાઓમાં વારંવાર પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં અનેક વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. આવા વિકટ સંજોગોમાં પણ એમ્બ્યુલન્સ ટીમો અને કટોકટી સેવા આપતા ફ્રન્ટલાઈન વર્કર્સ પોતાના જીવના જોખમે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને દર્દીઓ અને માસૂમો સુધી તબીબી સહાય પહોંચાડી રહ્યા છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
