News of Tuesday, 7th July 2026
અમેરિકા ફક્ત સપનામાં જ બગ્રામ એરબેઝ પાછું મેળવી શકશે : તાલિબાનનો ટ્રમ્પ પર આકરો કટાક્ષ
કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે વધતા સૈન્ય તણાવ અને હોસ્પિટલ પર થયેલા ભીષણ હવાઈ હુમલા વચ્ચે તાલિબાની મંત્રીએ અમેરિકાને ચેતવણી આપી : પાકિસ્તાનને સાર્વભૌમત્વ મુદ્દે ધમકાવ્યું અને ભારત સાથેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવાની જાહેરાત કરી

કાબુલ : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાની ક્રૂર મજાક ઉડાવી છે જેમાં તેઓ ચીન સરહદની નજીક આવેલા વ્યૂહાત્મક બગ્રામ એરબેઝને ફરીથી અમેરિકાના કબજામાં લેવાની વાતો કરી રહ્યા છે. તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રી મુહાજિર ફરાહીએ એક વિશેષ મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ હવે માત્ર પોતાના સપનામાં જ આ લશ્કરી મથક પાછું મેળવી શકે છે, હકીકતમાં અમેરિકાનું અહીં પરત ફરવું અશક્ય છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના હુમલા બાદ સોવિયેત યુગનું આ એરબેઝ અમેરિકી સેનાનું સૌથી મોટું ગઢ રહ્યું હતું, પરંતુ ૨૦૨૧માં નાટો સૈનિકોની શરમજનક વાપસી બાદ તે તાલિબાનના નિયંત્રણમાં છે. ટ્રમ્પ ચીનને ઘેરવા માટે આ એરબેઝને સૈન્ય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું ગણાવીને તેને પાછું મેળવવાની જીદ અવારનવાર વૈશ્વિક મંચ પર દોહરાવતા રહ્યા છે જેને તાલિબાને એક ઝાટકે ફગાવી દીધી છે.
આ સાથે જ તાલિબાને પાકિસ્તાન વિરુદ્ધ પણ યુદ્ધ જેવું વલણ અપનાવતા તેને કડક ચેતવણી આપી છે. તાજેતરમાં જ કાબુલની એક સિવિલ હોસ્પિટલ પર થયેલા ભયાનક હવાઈ હુમલામાં આશરે ૪૭૦ નિર્દોષ નાગરિકોના મોત અને ૨૪૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેનો સીધો આરોપ પાકિસ્તાની સેના પર લગાવવામાં આવી રહ્યો છે. આ લોહિયાળ ઘટનાથી રોષે ભરાયેલા મંત્રી ફરાહીએ કહ્યું કે પાકિસ્તાનની સૈન્ય સરકારને તેની નાપાક હરકતોનો યોગ્ય જવાબ આપી દેવામાં આવ્યો છે અને અફઘાનિસ્તાન કોઈપણ કિંમતે પોતાની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે. વારંવાર સરહદો બંધ કરીને આર્થિક નુકસાન પહોંચાડવાની પાકિસ્તાની ચાલનો તોડ કાઢતા તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તેઓએ હવે મધ્ય એશિયા, ઈરાન, ચીન અને ભારત સાથે નવા વેપારી માર્ગો વિકસાવી લીધા છે અને હવે તેઓ ઈસ્લામાબાદ પર જરાય નિર્ભર નથી.
વૈશ્વિક રાજનીતિમાં મોટો યુ-ટર્ન લેતા તાલિબાને ભારત પ્રત્યે અનોખો સ્નેહ દર્શાવ્યો છે અને નવી દિલ્હી સાથેના સંબંધોને અફઘાનિસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. ફરાહીએ ગર્વભેર કહ્યું કે ભારત અમારો ઐતિહાસિક પાડોશી દેશ છે અને કોઈ પણ ત્રીજી શક્તિ કાબુલની વિદેશ નીતિ નક્કી કરી શકે નહીં. તાલિબાન સરકાર ભારત સાથે વેપાર અને લોકો વચ્ચેના સીધા સંપર્કને સર્વોચ્ચ સ્તરે લઈ જવા માંગે છે. પોતાની સૈન્ય તાકાતના પ્રદર્શન અને અમેરિકાને ધૂળ ચટાડવાની યાદોને જીવંત રાખવા માટે તાલિબાને કાબુલમાં એક ભવ્ય 'યુદ્ધ આર્કાઇવ મ્યુઝિયમ' બનાવવાની પણ સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં અમેરિકી સેનાના હથિયારો અને તાલિબાનની જીતની ગાથાઓ પ્રદર્શિત કરીને ભવિષ્યની પેઢીઓને સુપરપાવરની હારનો ઇતિહાસ બતાવવામાં આવશે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
