<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અમેરિકા એકલું ચીન સામે નહીં ટકી શકે!: ભૂતપૂર્વ યુએસ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનના નિવેદનથી ટ્રમ્પ પ્રશાસનમાં ખળભળાટ

વોશિંગ્ટનની ઘટતી વૈશ્વિક સાખ વચ્ચે બ્લિંકનનો સનસનાટીપૂર્ણ દાવો: ચીનના વિશાળ બજાર અને ઉત્પાદન ક્ષમતા સામે ટક્કર આપવા ભારત, યુરોપ અને જાપાન જેવા સહયોગી દેશોનો સાથ અનિવાર્ય

વોશિંગ્ટન :  અમેરિકાની વૈશ્વિક મહાસત્તા તરીકેની છબી અને સુપરપાવર હોવાના દાવ પર પૂર્વ યુએસ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો વિવાદ છેડી દીધો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન બ્લિંકને ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અમેરિકા હવે એકલા હાથે ચીનનો સામનો કરવા કે તેની સાથે આર્થિક સ્પર્ધા કરવા માટે સક્ષમ નથી. તેમના આ નિવેદનથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને નીતિ ઘડવૈયાઓની ચિંતાઓમાં ભારે વધારો થયો છે, કારણ કે આ સ્વીકારોક્તિ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા વૈશ્વિક મંચ પર પોતાનો વિશ્વાસ અને પ્રભાવ ઝડપથી ગુમાવી રહ્યું હોવાના અહેવાલો છે.

બ્લિંકને ચીનની વિરાટ ક્ષમતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે બેઇજિંગ પાસે એક વિશાળ બજાર છે અને તેનું ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર) અમેરિકા કરતાં ત્રણ ગણું મોટું છે. ચીન પાસે અમેરિકા કરતાં વધુ જહાજો, મજબૂત સંશોધન અને પેટન્ટનો વિશાળ જથ્થો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા ભલે ગમે તેટલું મજબૂત હોય, પરંતુ ચીન સાથે સીધી ટક્કર લેવી હવે તેની પહોંચ બહારની વાત છે. આ સંજોગોમાં જો અમેરિકા ભારત, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મિત્ર રાષ્ટ્રો સાથે મળીને કામ કરે, તો જ વૈશ્વિક અર્થતંત્રના ૫૦ થી ૬૦ ટકા હિસ્સાના બળ પર ચીનને યોગ્ય સંતુલન અને ટક્કર આપી શકાય તેમ છે.

દરમિયાન, ભૂતપૂર્વ રાજદ્વારીના આ નિવેદન બાદ ચીની સૈન્ય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ વોશિંગ્ટન પર આકરા કટાક્ષ કર્યા છે. ચીની નિષ્ણાતોનું કહેવું છે કે એક સમયે ચીનને કમજોર ગણતું અમેરિકા હવે સત્તાવાર રીતે સ્વીકારી રહ્યું છે કે બેઇજિંગ તેની સરખામણીએ ઘણી મોટી આર્થિક અને લશ્કરી તાકાત બની ચૂક્યું છે. જર્મની સહિતના ઘણા પરંપરાગત સહયોગી દેશોમાં પણ અમેરિકા પ્રત્યેનો ભરોસો ઘટ્યો છે અને ચીનની સ્વીકાર્યતા વધી રહી છે. બ્લિંકનના આ નિવેદને સાબિત કરી દીધું છે કે પશ્ચિમી દેશો માટે હવે ભારત અને એશિયાઈ સહયોગીઓ વિના પોતાના અસ્તિત્વ અને પ્રભાવને ટકાવી રાખવો અશક્ય બની ગયો છે.

(7:35 PM IST)