તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
અમેરિકાને તોબા પોકારાવી દીધા: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની જાહેરાત વચ્ચે ઈરાનની આકરી શરત: અમેરિકા પહેલા આર્થિક પ્રતિબંધો હટાવે અને જપ્ત સંપત્તિ મુક્ત કરે તો જ વાટાઘાટો આગળ વધશે
ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું હતું કે કરારનો અર્થ અમેરિકા પર આંધળો વિશ્વાસ કરવો એવો બિલકુલ નથી: ઈરાન પહેલા એ ચકાસવા માંગે છે કે અમેરિકા પોતાના વચનો પૂરા કરે છે કે નહીં

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા તણાવ બાદ આખરે શાંતિ કરારની જાહેરાત થતાં જ વૈશ્વિક સ્તરે યુદ્ધના કાળા વાદળો વિખેરાયા છે અને આખી દુનિયાએ રાહતનો મોટો શ્વાસ લીધો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડીલ ફાઇનલ થયાની સત્તાવાર જાહેરાત કરીને જહાજો માટે હોર્મુઝની ખાડીનો માર્ગ ખુલ્લો મૂક્યો છે, જોકે સામે પક્ષે ઈરાને પણ પોતાનું વલણ અત્યંત મક્કમ રાખતા અમેરિકા સમક્ષ પ્રતિબંધો હટાવવાની આકરી શરત મૂકી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ડીલ અંગે ધડાકો કરતા લખ્યું હતું કે, 'ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થયો છે. આ ડીલમાં સામેલ તમામ પક્ષોનો આભાર અને સૌને ખૂબ-ખૂબ અભિનંદન. હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ-ફ્રી ખોલવાની જાહેરાત કરું છું.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખાડીમાંથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી પણ હટાવી લેવામાં આવશે, તેથી દુનિયાના તમામ જહાજો હવે પોતાના એન્જિન સ્ટાર્ટ કરી લે અને ક્રૂડ ઓઇલનો બિઝનેસ શરૂ થવા દે.
ટ્રમ્પની આ ઐતિહાસિક જાહેરાત બાદ ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું હતું કે કરારનો અર્થ અમેરિકા પર આંધળો વિશ્વાસ કરવો એવો બિલકુલ નથી. ઈરાને સોગઠી મારતા સ્પષ્ટ શરત મૂકી છે કે જો અમેરિકા પહેલા તેના પર લાગેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવે અને જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિઓને મુક્ત કરે, તો જ તેઓ વાટાઘાટોના ટેબલ પર આગળ વધશે. ઈરાન પહેલા એ ચકાસવા માંગે છે કે અમેરિકા પોતાના વચનો પૂરા કરે છે કે નહીં.
આ શાંતિ કરારને આખરી ઓપ આપવા અને મૂર્ત સ્વરૂપ આપવા માટે આગામી શુક્રવાર, ૧૯મી જૂનના રોજ બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોના વડાઓ વચ્ચે એક સત્તાવાર બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં આગામી વાટાઘાટોની રૂપરેખા અને ભવિષ્યના રોડમેપ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવશે. હસ્તાક્ષર સમારોહ પૂર્ણ થયા બાદ આ ઐતિહાસિક કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ સામાન્ય જનતા માટે જાહેર કરવામાં આવશે. લાંબા સમય બાદ બંને મહાસત્તાઓ યુદ્ધના મેદાનમાંથી હટીને ટેબલ પર આવવા સંમત થઈ હોવાથી વૈશ્વિક બજાર અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના વેપાર માટે આ અત્યંત રાહતના સમાચાર છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
