<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

અમેરિકાએ ભારત સહિત ૨૦ દેશોને અમુક ખાસ દવાઓ પર ટેરિફમાં આપી મોટી રાહત : શૂન્ય ટકા શુલ્કનો નિર્ણય

દુર્લભ બીમારીઓ, વંધ્યત્વ સારવાર અને જીન થેરાપી માટેની ખાસ દવાઓ પર ટેરિફ માફ : ટ્રેડ એક્સ્પાન્શન એક્ટની કલમ ૨૩૨ હેઠળ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પગલું

વોશિંગ્ટન:અમેરિકા દ્વારા ભારત અને અન્ય ૧૯ દેશોમાંથી આયાત કરવામાં આવતી કેટલીક ચોક્કસ સ્પેશિયાલિટી દવાઓ અને તેના સંબંધિત ઘટકો પર કોઈ પણ પ્રકારનો એડ વેલોરેમ (અડ વેલોરેમ) ટેરિફ ન લાદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા સાથે વર્તમાન અથવા આગામી વેપાર અને સુરક્ષા ફ્રેમવર્ક કરાર ધરાવતા દેશો માટે શૂન્ય ટકા ટેરિફનો આ દર અમલી બનશે.

ભારત ઉપરાંત જે ૧૯ અન્ય દેશોને આ શૂન્ય ટેરિફ દરમાં આવરી લેવામાં આવ્યા છે તેમાં આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કમ્બોડિયા, ઈક્વાડોર, અલ સાલ્વાડોર, યુરોપિયન યુનિયન, ગ્વાટેમાલા, ઈન્ડોનેશિયા, જાપાન, જોર્ડન, મલેશિયા, નોર્થ મેસેડોનિયા, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, લિક્ટેન્સ્ટાઈન, તાઈવાન, થાઈલેન્ડ, બ્રિટન અને વિયેતનામનો સમાવેશ થાય છે.

આ રાહત હેઠળ દુર્લભ રોગો માટેની દવાઓ, વંધ્યત્વની સારવાર, સેલ થેરાપી, જીન થેરાપી, એન્ટિબોડી-ડ્રગ કન્જુગેટ્સ (ADCs) અને પશુઓ માટેની વિશિષ્ટ દવાઓ તથા તેના મુખ્ય ઘટકો પર શૂન્ય ટકા ટેરિફ લાગુ થશે. આ છૂટછાટો ટ્રેડ એક્સ્પાન્શન એક્ટની કલમ ૨૩૨ હેઠળ આયાત સુધારવાના હેતુથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા એપ્રિલ મહિનાના પ્રોક્લેમેશનના અમલીકરણનો એક ભાગ છે.

નોંધનીય છે કે, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અમેરિકાએ ૨૯ સપ્ટેમ્બરથી પેટન્ટેડ ફાર્માસ્યુટિકલ આયાત અને તેના ઘટકો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી હતી. યુ.એસ. કોમર્સ ડિપાર્ટમેન્ટની નોટિસ અનુસાર જનરેક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને તેના સંબંધી ઘટકોને આ કલમ ૨૩૨ હેઠળના ફાર્મા ટેરિફમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. નોટિસમાં ‘જેનેરિક ફાર્માસ્યુટિકલ આર્ટિકલ્સ’ની વ્યાખ્યામાં સુધારો કરીને બિન-પેટન્ટેડ એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે.

(11:28 PM IST)