તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
અમેરિકાએ ઈરાન પર કર્યા તાબડતોબ ભારે હવાઈ હુમલા : ચાબહારથી લઈને બંદર અબ્બાસ સુધીના તટીય વિસ્તારોમાં ભારે વિસ્ફોટો
હોર્મોજની ખાડીમાં કોમર્શિયલ જહાજો અને યુએસ સૈનિકો પર ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની સૈન્ય કાર્યવાહી : આઈએસઆરજીસીના ઠેકાણાઓ બન્યા નિશાન

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પીસ ડીલની વાટાઘાટો વચ્ચે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. હોર્મોજની ખાડી (સ્ટ્રેટ ઓફ હોર્મોજ) નજીક આવેલા ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઠેકાણાઓ પર અમેરિકાએ આકરા હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સૈન્ય કાર્યવાહી હોર્મોજ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો અને ત્યાં તૈનાત અમેરિકી સૈનિકો પર ઈરાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હુમલાના વળતા જવાબરૂપે કરવામાં આવી છે.
ઈરાનના સ્થાનિક મીડિયા અને IRGC સાથે જોડાયેલા ટેલિગ્રામ ચેનલોના અહેવાલો મુજબ, અમેરિકી હુમલા બાદ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ઈરાનના મોટા ભાગોમાં એકપછી એક પ્રચંડ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ચાબહાર, બંદર અબ્બાસ, કોણારક, કેશ્મ, જાસ્ક, સિરિક અને મીનાબ જેવા અતિ મહત્વના તટીય વિસ્તારોમાં ભારે વિસ્ફોટ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યા અનુસાર, અમેરિકી સમય મુજબ બપોરે ૧૨ વાગ્યાથી સેનાએ IRGC ના ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
અગાઉ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય પર ઓછામાં ઓછી આઠ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આ હુમલો અમેરિકા દ્વારા લાર્ક દ્વીપ પર IRGC ના મિસાઈલ લોન્ચરો પર કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં કરાયો હોવાનું મનાય છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આ મિસાઈલ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું ન હતું.
બીજી તરફ, ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ IRGC ના નિવેદનને ટાંકીને દાવો કર્યો છે કે ઈરાની સેનાએ જોર્ડન સ્થિત 'કિંગ હુસેન' અને 'અલ-અઝરાક' અમેરિકી સૈન્ય મથકોના ટેકનિકલ તથા મેન્ટેનન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દુશ્મનના ફાઈટર વિમાનો તૈનાત હતા તે વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ હુમલાથી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
