તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
હોર્મુઝની ખાડીમાં ઈરાનની 'વસુલી' સામે અમેરિકા લાલઘૂમ: જહાજો પાસેથી ફી લેતી નવી 'ટોલબૂથ' સિસ્ટમ સામે આર્થિક પ્રતિબંધોની ગર્જના
વિશ્વના સૌથી વ્યૂહાત્મક તેલ માર્ગ પર ઈરાને ખાનગીમાં શરૂ કર્યો મસમોટો ઉઘરાણો: પાંચ અલગ-અલગ પદ્ધતિથી નાણાં ચૂકવનાર શિપિંગ કંપનીઓ પર ગાજ પડશે

વોશિંગ્ટન: વૈશ્વિક તેલ અને ગેસના વેપાર માટેની જીવાદોરી ગણાતી હોર્મુઝની ખાડીમાં હવે ઈરાને નવી ચાલ રમી છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને જળમાર્ગમાં ટ્રાફિક પ્રતિબંધિત કરી એક પ્રકારની 'ટોલબૂથ' વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થા હેઠળ ઈરાન તેના કિનારા નજીકથી પસાર થતા જહાજોને સુરક્ષિત માર્ગ આપવા બદલ મસમોટી ફી વસૂલી રહ્યું હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા શિપિંગ કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ આ 'ટોલ' ચૂકવશે તો તેમના પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે.
અમેરિકાએ તે પાંચ ગુપ્ત રીતોનો પણ પર્દાફાશ કર્યો છે જેના દ્વારા આ ચુકવણીઓ કરવામાં આવી રહી છે. ઈરાન રોકડ રકમ, ડિજિટલ એસેટ્સ (ક્રિપ્ટોકરન્સી), અનૌપચારિક સ્વેપ, સખાવતી દાન અને દૂતાવાસો મારફતે નાણાં પડાવી રહ્યું છે. આ સિસ્ટમ દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં વિદેશી ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વોશિંગ્ટન આ વ્યવસ્થાને ગેરકાયદેસર અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગના નિયમોનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે, જેના કારણે દરિયાઈ ક્ષેત્રે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
ફેબ્રુઆરીના અંતમાં થયેલા હુમલાઓ બાદ હોર્મુઝની ખાડીમાં શિપિંગ પ્રવૃત્તિઓ પહેલેથી જ જોખમમાં છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થાય છે, ત્યારે ઈરાનની આ વસુલી નીતિથી વૈશ્વિક તેલના ભાવમાં ભડકો થવાની ભીતિ સેવાઈ રહી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની શરતોને આધીન થઈને નાણાકીય લેવડ-દેવડ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. હાલમાં સમગ્ર વિશ્વની નજર આ વ્યૂહાત્મક જળમાર્ગ પર છે, જ્યાં આર્થિક અને લશ્કરી દબાણનો ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
