<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

હોર્મુઝમાં ફરી અમેરિકા ત્રાટકયુઃ જહાજ પર અમેરિકાનો મિસાઈલ હુમલો,

ફરી યુદ્ધ શરૂ કરવાની ઈરાનને ચેતવણી

નવી દિલ્‍હીઃ હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય તણાવ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. અમેરિકન સૈન્યએ ઈરાનના બંદર તરફ જવાનો પ્રયાસ કરી રહેલા ગામ્બિયાના ધ્વજવાળા એક માલવાહક જહાજ લિયાન સ્ટાર પર મિસાઈલ છોડીને તેને ઓમાનના અખાતમાં નિષ્ક્રિય કરી દીધું છે. આ જહાજ અમેરિકન સેનાની ચેતવણીઓ અવગણીને ઈરાની બંદરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
સિંગાપોરમાં એક સંરક્ષણ શિખર સંમેલનને સંબોધતા અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સ્પષ્ટ કર્યું કે, જો જરૂર પડશે તો અમેરિકા ફરીથી સૈન્ય અભિયાન શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારપૂર્વક કહ્યું કે. ઈરાને તેની પરમાણુ હથિયારોની મહત્વાકાંક્ષા કાયમ માટે છોડવી જ પડશે. હાલમાં અમેરિકા ઈરાની બંદરો પર નાકાબંધી કરી રહ્યું છે, જેના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ટ્રાફિકને અટકાવી દીધો છે.
આ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેશે, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર એવી પોસ્ટ કરી હતી કે હોર્મુઝમાં નૌકા નાકાબંધી હટાવવામાં આવી રહી છે અને હવે જહાજો કોઈ પણ ટોલ આપ્યા વિના પસાર થઈ શકશે.
જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે હજુ સુધી કોઈ પણ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. વધુમાં, ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકન રાષ્ટ્રપતિ પર વધુ પડતી માંગણી કરીને વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.
"અમેરિકાએ ઈરાન સામે આર્થિક દબાણ વધારતા તેની લગભગ 1 અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી લીધી છે." -- અમેરિકી નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ
અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ અને હોર્મુઝની ખાડી ફરી ખુલવાના સમાચારોની અસર વૈશ્વિક બજાર પર જોવા મળી છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ 6 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે, જેમાં આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.7 ટકા ઘટીને 91.12 ડોલર પર બંધ થયું છે.
મધ્ય પૂર્વના અન્ય એક તણાવપૂર્ણ મોરચે, ઈઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં પ્રવેશી ચૂકી છે. શનિવારે ઈઝરાયેલી વાયુસેનાએ દક્ષિણ લેબનોનમાં ક્રુસેડર કાળના બ્યુફોર્ટ કિલ્લા પાસે બોમ્બમારો કર્યો, જેમાં 6 લોકોના મોત થયા છે. અમેરિકી રક્ષા સલાહકાર ડગ્લાસ મેકગ્રેગરના મતે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં સૈન્ય અભિયાન રોકવાનો પ્રયાસ કરશે તો અમેરિકામાં રહેલો એક પ્રભાવશાળી ઈઝરાયેલ સમર્થક વર્ગ તેમના વિરોધમાં આવી શકે છે.

(1:10 PM IST)