News of Thursday, 30th July 2026
એઆઇ અને રોબોટ્સ વિના અમેરિકા ૧૦૦૦% દેવાળિયું થઈ જશે
એલોન મસ્કની અતિ ગંભીર અને ડરામણી ચેતવણી : અમેરિકા આજે માત્ર પોતાના દેવાનું વ્યાજ ચૂકવવા પાછળ જ વાર્ષિક ૧ ટ્રિલિયન ડોલરનો જંગી ખર્ચ કરી રહ્યું છે ?

વોશિગ્ટન તા.૩૦: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના માલિક એલોન મસ્કે અમેરિકાના આર્થિક ભવિષ્યને લઈને એક અત્યંત ભયાનક અને ચોંકાવનારી ચેતવણી આપી છે. મસ્કના જણાવ્યા અનુસાર જો અમેરિકા તાત્કાલિક ધોરણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ અને અત્યાધુનિક રોબોટ્સનો વ્યાપક સ્વીકાર નહીં કરે તો દેશ ૧૦૦૦% નાદાર થઈ જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ બે તકનીકો વિના અમેરિકા એક રાષ્ટ્ર તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ જશે અને અન્ય કોઈ પણ ઉપાય આ રાષ્ટ્રીય દેવાની સમસ્યાને ઉકેલી શકશે નહીં.
તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રસારિત થયેલા દ્વારકેશ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન મસ્કે અમેરિકાના બેફામ વધી રહેલા દેવા અંગે ઊંડી ચિતા વ્યક્ત કરી હતી. તેમણે ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે અમેરિકા આજે માત્ર પોતાના દેવાનું વ્યાજ ચૂકવવા પાછળ જ વાર્ષિક ૧ ટ્રિલિયન ડોલરનો જંગી ખર્ચ કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વ્યાજની રકમ હવે અમેરિકાના કુલ લશ્કરી અને સંરક્ષણ બજેટ કરતા પણ ઘણી મોટી થઈ ગઈ છે. મસ્ક પોતે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી સાથે એટલે જોડાયા છે જેથી તેઓ સરકારી નાદારીની ગતિને ધીમી પાડી શકે અને દેશને દેવામાંથી બહાર કાઢવા માટે એઆઇ તથા રોબોટ્સ વિકસાવવા પૂરતો સમય મેળવી શકે. મસ્કની આગાહી છે કે એઆઇ યુગમાં ચીજવસ્તુઓ અને સેવાઓની એટલી બધી વિપુલતા હશે કે ભાવો વધવાને બદલે ઘટશે અને ફુગાવાની જગ્યાએ ડિફલેશન જોવા મળશે.
બીજી તરફ એઆઇની વૈશ્વિક રેસમાં જીતવા અને ભંડોળ પૂરું પાડવા માટે અમેરિકા અને ચીન જેવા મોટા દેશો સતત ફિયાટ કરન્સી એટલે કે કાગળિયા ચલણ છાપી રહ્યા છે. મસ્કે આ સરકારી ચલણને સાવ નકલી ગણાવીને ચેતવણી આપી છે કે તેની કોઈ મર્યાદા ન હોવાથી ગમે તેટલા ડોલર છાપી શકાય છે જેના કારણે તેનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. આ કટોકટીમાં મસ્કે બિટકોઇનનો ખુલીને બચાવ કર્યો છે. તેમણે દલીલ કરી છે કે બિટકોઇનનો જથ્થો મર્યાદિત છે અને તે ઊર્જા પર આધારિત હોવાથી તેને ક્યારેય નકલી બનાવી શકાતો નથી.
ફોર્બ્સની યાદીમાં ટોચ પર રહેલા મસ્ક જોખમ લેવા માટે જાણીતા છે અને તેઓ પોતાની કંપનીઓની બેલેન્સ શીટમાં સત્તાવાર રીતે બિટકોઇન ધરાવે છે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી વિસ્તૃત વિગતો અનુસાર હાલમાં ટેસ્લા કંપની પોતાના ખાતામાં ૧૧,૫૦૯ બિટકોઇન ધરાવે છે જ્યારે સ્પેસએક્સ કંપની પાસે ૧૮,૭૧૨ બિટકોઇન રહેલા છે. બજારમાં અત્યારે એક બિટકોઇનનો ભાવ ૬૩,૧૪૯ ડોલરની સપાટી પર બોલાઈ રહ્યો છે
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
