News of Friday, 18th September 2026
અમેરિકાના કસીનોએ કર્મચારીઓને નોકરીના પ્રત્યેક વર્ષ દીઠ ૯૫,૮૪૦ના શેર્સ આપ્યા, સૌથી જૂના સ્ટાફને મળ્યા ૪૭ લાખ
લાસ વેગસના સ્ટેશન કસિનો કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને વફાદારીના ઇનામ તરીકે રેડ રોક રિસોર્ટ્સના ૭૦ મિલ્યન ડોલરના શેર્સ આપ્યા

લાસ વેગસ તા.૧૮: દાયકાઓની લાંબી કોર્પોરેટ કરીઅરમાં એક વચન અપાતું હોય છે કે લાંબો સમય કંપની સાથે રહો, મહેનત કરો, પેન્શન લો અને રિટાયરમેન્ટ વખતે મોટું પ્રોવિડન્ટ ફન્ડ લઈને જાઓ. જોકે અમેરિકાના લાસ વેગસના એક કસીનો ઑપરેટરે કર્મચારીઓને વફાદારીના ઇનામ તરીકે કંપનીના શેર્સ આપવાનું શરૂ કર્યું છે. સ્ટેશન કસીનોએ લગભગ ૧૦,૦૦૦ ફુલ-ટાઇમ અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓને રેડ રોક રિસોર્ટ્સ કંપનીના સ્ટોકમાં ૭૦ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૬૭૦૮ કરોડ રૂપિયાના શેર્સ આપ્યા છે. આ સ્કીમ અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને કંપની સાથે જોડાયેલા રહેવા બદલ વર્ષદીઠ ૧૦૦૦ ડોલર એટલે કે લગભગ ૯૫,૮૪૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ શેર્સ આપવાની જાહેરાત કંપનીની પચાસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનના ભાગરૂપે કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે જે કર્મચારીઓ ૭ સપ્ટેમ્બર સુધી કામ કરતા હતા તેમને આ અવોર્ડ મળશે. કસીનો ઓપરેટરે કેટલાક સૌથી લાંબા સમયથી કામ કરી રહેલા કર્મચારીઓને જે પેમેન્ટ આપ્યું એ તો લાખો રૂપિયામાં છે. ૧૯૭૭માં કંપની સાથે જોડાયેલી ઇડા જોન્સન નામની કર્મચારીને ૪૯,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૪૭ લાખ રૂપિયાના શેર્સ મળ્યા હતા. અન્ય ૬ કર્મચારીઓએ પણ ૧૯૭૦ના દાયકાથી કામ શરૂ કર્યું હતું તેમને પણ કંપનીના લગભગ ૪૩ લાખ રૂપિયાના શેર્સ મળ્યા છે. રેડ રોક કસીનો રિસોર્ટ એન્ડ સ્પામાં જ્યારે કંપનીએ આ જાહેરાત કરી ત્યારે બધા જ કર્મચારીઓ માટે એ સરપ્રાઇઝ હતી. આ જાહેરાત કરીને કંપનીના CEOએ કહ્યું હતું કે હવે તમે આ કંપનીના માત્ર કર્મચારી નથી, આ કંપનીનો હિસ્સો પણ છો
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
