તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ટ્રમ્પના રાજકીય તણાવથી ત્રસ્ત અમેરિકનોનું કેનેડા તરફ પલાયન: નવી નાગરિકતામાં અમેરિકનો મોખરે
કેનેડાના નવા 'વંશપરંપરાગત નાગરિકતા' કાયદાનો લાભ લેતા અમેરિકનો: આ નવી કેટેગરીમાં ૪૮% અરજદારો યુએસના

વોશિંગ્ટન/ઓટાવા: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન અને ડહોળાયેલા રાજકીય માહોલથી કંટાળીને અનેક અમેરિકનોએ દેશ છોડવાની શરૂઆત કરી છે. કેનેડા સરકારે 'વંશપરંપરાગત નાગરિકતા'ના નિયમોમાં કરેલા ફેરફારનો સૌથી વધુ લાભ અમેરિકન નાગરિકો લઈ રહ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં ફરતા ૪૮% ના આંકડાઓ કેનેડાની કુલ નાગરિકતાના નથી, પણ માત્ર આ નવા કાયદા હેઠળની અરજીઓના છે.
અમેરિકામાં પ્રવર્તમાન રાજકીય તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નારાજ અમેરિકનો હવે પોતાનો જ દેશ છોડીને પડોશી દેશ કેનેડા તરફ મીટ માંડી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, અમેરિકામાંથી કેનેડા તરફ થતું પલાયન વધ્યું છે. ખાસ કરીને કેનેડા સરકાર દ્વારા નાગરિકતાના નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા અમેરિકનો માટે દેશ છોડવા માટેનું મોટું બહાનું અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
કેનેડાના નવા કાયદા અને નિયમો હેઠળ, હવે એવી વ્યક્તિઓ પણ સહેલાઈથી નાગરિકતા (Citizenship by Descent) મેળવવા માટે પાત્ર બને છે જેમના પૂર્વજો ઘણી પેઢીઓ પહેલા કેનેડા છોડીને અન્ય દેશમાં જઈને વસ્યા હતા. સોશિયલ મીડિયામાં એવો દાવો થઈ રહ્યો છે કે કેનેડાની નવી નાગરિકતાઓમાં ૪૮% હિસ્સો અમેરિકનોનો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આ ૪૮% નો આંકડો કેનેડાની કુલ નાગરિકતાનો નથી, પરંતુ માત્ર આ નવા 'વંશપરંપરાગત નાગરિકતા' કાયદા હેઠળ આવેલી અરજીઓ પૂરતો જ મર્યાદિત છે.
સરકારી આંકડાઓ અનુસાર, દર મહિને ૧૦૦૦ (એક હજાર) થી વધુ અમેરિકનોની કેનેડિયન નાગરિકતાની અરજીઓ આ વિશિષ્ટ કેટેગરી હેઠળ મંજૂર કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય માધ્યમોના અહેવાલ મુજબ, અમેરિકામાં સતત વધી રહેલા રાજકીય તણાવ, અસલામતીની ભાવના અને સામાજિક ધ્રુવીકરણના કારણે લોકો શાંતિ અને સ્થિરતાની શોધમાં કેનેડા જવાનું પસંદ કરી રહ્યા છે. જે અમેરિકનોના દાદા-પરદાદા કે પૂર્વજો ક્યારેક કેનેડાના નાગરિક હતા, તેઓ જૂના દસ્તાવેજોના આધારે ખૂબ જ સરળતાથી કેનેડાનું નાગરિકત્વ મેળવી રહ્યા છે.
એક તરફ અમેરિકામાં અન્ય દેશોના લોકો માટે કડક ઇમિગ્રેશન નીતિઓ લાગુ થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખુદ અમેરિકનો જ પોતાનો દેશ છોડી રહ્યા છે તે બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બની છે. અલબત્ત, વાયરલ આંકડાઓને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકનોના પલાયનની વાતમાં સંપૂર્ણ તથ્ય રહેલું છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
