તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 4th September 2026
અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠ પર વિવાદનું નવું કારણ: યુ.એસ. મિન્ટે લોન્ચ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો $1નો ખાસ સિક્કો; કાયદાકીય મંજૂરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
જીવંત રાષ્ટ્રપતિનો ફોટો સિક્કા પર છાપવા સામે કાયદાકીય નિષ્ણાતોની લાલ આંખ: મિન્ટે ૨.૫ લાખ સિક્કા બહાર પાડ્યા; ટ્રેઝરી વિભાગે ૧૯૨૬ના કેલ્વિન કુલીજના ઐતિહાસિક ઉદાહરણનો આપ્યો હવાલો

વોશિંગ્ટન : અમેરિકાની સ્થાપનાની ૨૫૦મી વર્ષગાંઠ (અર્ધ-પંચશતાબ્દી) ની ભવ્ય ઉજવણી વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ મિન્ટ (યુ.એસ. ટંકશાળ) દ્વારા બહાર પાડવામાં આવેલા ૧ ડોલરના એક નવા સિક્કાએ દેશભરમાં ભારે વિવાદ સર્જ્યો છે. આ સ્મારક સિક્કા પર દેશના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો કંડારવામાં આવ્યો છે. કલેક્ટર્સ માટે ખાસ બનાવવામાં આવેલા ૨,૫૦,૦૦૦ સિક્કાઓનું વેચાણ શરૂ થતાં જ વિવેચકો અને કાયદાકીય નિષ્ણાતોએ પ્રશ્નો ઉઠાવ્યા છે કે શું કોઈ જીવંત રાષ્ટ્રપતિની છબી સિક્કા પર છાપવી એ ફેડરલ કાયદાનું ઉલ્લંઘન નથી?
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ૨૦૨૦ માં પસાર કરાયેલા 'સર્ક્યુલેટિંગ કલેક્ટિબલ કોઈન રીડિઝાઇન એક્ટ' હેઠળ ૨૦૨૬ માટે ખાસ સિક્કા બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમાં જીવંત વ્યક્તિઓની છબી પર કડક પ્રતિબંધો હતા. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ ટીકાઓને ફગાવી દેતાં જણાવ્યું છે કે ૧૯૨૬ માં અમેરિકાની ૧૫૦મી વર્ષગાંઠ વખતે પણ તત્કાલીન રાષ્ટ્રપતિ કેલ્વિન કૂલીજનો ફોટો સિક્કા પર છાપવામાં આવ્યો જ હતો. યુ.એસ. મિન્ટના મુખ્ય કોતરણીકાર જોસેફ મેન્ના દ્વારા ડિઝાઇન કરાયેલા આ સિક્કા પર ટ્રમ્પના પોટ્રેટ સાથે "LIBERTY", "IN GOD WE TRUST" અને "1776 ~ 2026" કોતરવામાં આવ્યું છે, જ્યારે પાછળના ભાગમાં રાષ્ટ્રપતિની સીલ અને '250' નો આંકડો છે.
સોના જેવો ચળકાટ ધરાવતો આ સિક્કો સામાન્ય બજારમાં ચલણ માટે નહીં પરંતુ માત્ર સંગ્રહકો (કલેક્ટર્સ) માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેને ૨૫-સિક્કાના રોલ અને ૧૦૦-સિક્કાની બેગમાં ૨ સપ્ટેમ્બરથી વેચવાનું શરૂ કરાયું છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ સિક્કાને અમેરિકી મૂલ્યો અને સ્વતંત્રતાની ઉજવણી ગણાવી છે, પરંતુ વિરોધ પક્ષો અને કાયદાકીય સંસ્થાઓમાં જીવંત વ્યક્તિના સન્માનના આ નવતર પ્રયોગ સામે કાનૂની બબાલ ચાલુ રહેવાની પૂરી શક્યતા છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
