તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
અમેરિકાના એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ ઈરાનના હુમલા સામે નબળા પડ્યા ? ઇરાનના હથિયાર બન્યા અમેરિકા માટે આફત
ઈરાને જોર્ડન સ્થિત અમેરિકી બેઝ પર એવો ભયાનક હુમલો કર્યો કે, તેમાં અમેરિકાના બે સૈનિકોના મોત પણ થઈ ગયા

ઈરાન સતત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું છે. શનિવારે તો ઈરાને જોર્ડનમાં એવો હુમલો કર્યો કે 2 અમેરિકી સૈનિકોના મોત થઈ ગયા. જોર્ડનમાં થયેલા તાજેતરના હુમલા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, શું અમેરિકાના એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ ઈરાનના હુમલા સામે નબળા સાબિત થઈ રહ્યા છે?
ઈરાન સતત મધ્ય-પૂર્વના દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું છે. શનિવારે (18 જુલાઈ) તો ઈરાને જોર્ડન સ્થિત અમેરિકી બેઝ પર એવો ભયાનક હુમલો કર્યો કે, તેમાં અમેરિકાના બે સૈનિકોના મોત પણ થઈ ગયા. આ હુમલાઓ બાદ સૌથી મોટો સવાલ એ જ ઉઠી રહ્યો છે કે, અત્યાર સુધી અમેરિકાના જે THAAD, આયર્ન ડોમ અને એરો દુનિયાના સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ગણાતા હતા, તે ઈરાન સામે નિષ્ફળ કેમ જઈ રહ્યા છે? ઈરાન વારંવાર પોતાના હુમલાઓમાં સફળ કેવી રીતે થઈ રહ્યું છે?
આ ભયાનક અને સફળ હુમલાઓ પાછળ ઈરાનની નવી મિસાઈલ ટેકનોલોજી અને રશિયા-ચીનથી મળી રહેલી કથિત સૈન્ય મદદ જવાબદાર છે. ઈરાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, તેમની પાસે બે હાઈપરસોનિક મિસાઈલો છે - ફતહ-1 (Fattah-1) અને ફતહ-2 (Fattah-2). જોકે, આ વાતની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી કે ઈરાન આ મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે કે નહીં.
ઈરાન પાસે કેવી-કેવી મિસાઈલો છે? - ફતહ-1 મિસાઈલ જૂન 2023માં પહેલીવાર જાહેર કરાઈ હતી. આ મિસાઈલની રેન્જ લગભગ 1,400 કિમી જણાવવામાં આવે છે. ઈરાનનો દાવો છે કે આ Mach 13થી Mach 15 સુધીની સ્પીડથી ઉડી શકે છે અને છેલ્લી ઘડીએ પોતાની દિશા પણ બદલી શકે છે, જેનાથી તેને રોકવું અત્યંત મુશ્કેલ બની જાય છે
ફતહ-2 મિસાઈલની વાત કરીએ તો તેને નવેમ્બર 2023માં દુનિયા સામે રજૂ કરાઈ હતી. ફતહ-2ની રેન્જ લગભગ 1,400થી 1,500 કિમી સુધી હોવાનું કહેવાય છે. ઈરાનનો દાવો છે કે તેમાં હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ (HGV) ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેનાથી આ પરંપરાગત બેલિસ્ટિક મિસાઈલોની તુલનામાં અનેક ઘણી વધુ જટિલ સ્થિતિમાં પણ ઉડાન ભરી શકે છે
એર ડિફેન્સને કેવી રીતે મ્હાત આપે છે આ મિસાઈલો? - નિષ્ણાતોના મતે, આનું સૌથી મોટું કારણ હાઈપરસોનિક સ્પીડ અને મેન્યુવર કરવાની ક્ષમતા છે. સામાન્ય બેલિસ્ટિક મિસાઈલો એક નક્કી રસ્તા પર ઉડે છે, તેથી રડાર પહેલાથી જ તેમના સંભવિત લક્ષ્યનો અંદાજ લગાવી લે છે. પરંતુ, જો કોઈ મિસાઈલ Mach 5 કે તેથી વધુની ગતિથી ઉડવાની સાથે છેલ્લી ઘડીએ પોતાની દિશા બદલી દે, તો એર ડિફેન્સ સિસ્ટમ પાસે પ્રતિક્રિયા આપવા માટે ફક્ત અમુક સેકન્ડનો જ સમય બચે છે. જ્યાં સુધી રડાર નવી દિશાને ટ્રેક કરે છે, તેટલા સમયમાં મિસાઈલ ફરી પોતાનો રસ્તો બદલી શકે છે
માર્ચ 2026માં જાહેર થયેલા વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ, રશિયા ઈરાનને સેટેલાઈટ ઈમેજરી અને એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજી મોકલી રહ્યું છે, જેનાથી અમેરિકાના સૈન્ય ઠેકાણાઓની સારી ઓળખ અને ટાર્ગેટિંગ શક્ય બની રહી છે. માર્ચમાં કાર્નેગી એન્ડોવમેન્ટના રશિયન સૈન્ય નિષ્ણાત દારા માસિકોટે કહ્યું હતું કે, ઈરાન પાસે પોતાના સૈન્ય સેટેલાઇટ ખૂબ મર્યાદિત છે, તેથી રશિયન સેટેલાઈટ ઈમેજરી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
બીજી બાજુ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ પણ દાવો કર્યો હતો કે, માર્ચના અંતમાં ફક્ત 10 દિવસની અંદર રશિયન સેટેલાઈટ્સે 11 દેશોમાં 46 સૈન્ય ઠેકાણાઓની તસવીરો લીધી હતી. જેમાં ડિયેગો ગાર્સિયા, કુવૈત એરપોર્ટ, સાઉદી અરબનો પ્રિન્સ સુલતાન એરબેઝ અને કતારનો અલ ઉદેદ એરબેઝ જેવા પ્રમુખ અમેરિકી અડ્ડાઓ સામેલ છે. રશિયા ઈરાનને મદદ આપે છે કારણ કે, તેને યુક્રેન યુદ્ધમાં ઈરાનથી ડ્રોન મળી રહ્યા છે. વળી જેટલું અમેરિકા ઈરાન સામે ફસાયેલું રહેશે, તેટલું જ તે યુક્રેન પર ઓછું ધ્યાન આપશે. જેનાથી છેલ્લે રશિયાને જ ફાયદો થશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
