તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
અમેરિકાનો ક્રેઝ ઘટ્યો, જર્મની બની ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ: સસ્તો અભ્યાસ અને ગેરંટીડ નોકરીના કારણે જર્મની તરફ મોટો પ્રવાહ
અપગ્રેડ સ્ટડી એબ્રોડના અહેવાલ મુજબ ૪૮% વિદ્યાર્થીઓએ જર્મનીને આપી પ્રાથમિકતા; યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના કડક નિયમોને કારણે યુરોપિયન દેશોનું આકર્ષણ વધ્યું

અમદાવાદ : વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પહેલી પસંદ રહેલા અમેરિકાને પાછળ છોડીને હવે જર્મની ભારતીય યુવાનોનું સૌથી પ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે. 'અપગ્રેડ સ્ટડી એબ્રોડ'ના ૨૦૨૬ના તાજેતરના અહેવાલ મુજબ, લગભગ અડધા (૪૮%) ભારતીય વિદ્યાર્થીઓએ જર્મનીને તેમની પ્રથમ પસંદગી તરીકે પસંદ કર્યું છે, જ્યારે અમેરિકા માત્ર ૨૦% વિદ્યાર્થીઓની પસંદગી સાથે બીજા ક્રમે ધકેલાઈ ગયું છે. ૨૦૨૩માં જર્મનીની લોકપ્રિયતા ૨૫% હતી, જે વધીને ૪૮% એ પહોંચી છે — એટલે કે તેમાં ૯૨%નો નોંધપાત્ર વધારો થયો છે.
આ બદલાવ પાછળનું મુખ્ય કારણ શિક્ષણનો ઓછો ખર્ચ અને અભ્યાસ પછી સરળતાથી મળતી નોકરીઓ છે. જર્મનીની સરકારી યુનિવર્સિટીઓમાં ટ્યુશન ફી ખૂબ જ ઓછી (વાર્ષિક €૦ થી €૩,૦૦૦) હોય છે. ઉપરાંત, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે જર્મની ગ્લોબલ હબ ગણાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને નોકરી શોધવા માટે ૧૮ મહિનાના વિઝા પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ હવે માત્ર રેન્કિંગ કે ગ્લેમર જોવાને બદલે પોતાના ભવિષ્ય અને નોકરીની તકોને પ્રાધાન્ય આપી રહ્યા છે.
બીજી તરફ, પરંપરાગત રીતે પ્રિય ગણાતા દેશોના કડક નિયમો વિદ્યાર્થીઓને નિરાશ કરી રહ્યા છે. અમેરિકામાં H-1B વિઝા લોટરીમાં ૨૦૨૧ થી ૨૦૨૬ વચ્ચે સરેરાશ ૬૫.૮% ના મંજૂરી અસ્વીકાર દરે અનિશ્ચિતતા વધારી છે. કેનેડામાં અભ્યાસ પરમિટ પર કેપ લગાવવાથી ૬૦% જેટલી અરજીઓ ફગાવી દેવાઈ છે, યુકેએ પોતાના વિઝા નિયમો કડક કરીને આશ્રિતોને સાથે લાવવા પર રોક લગાવી છે, અને ઓસ્ટ્રેલિયાએ વિઝા ફી વધારીને AU$૨,૦૦૦ કરી દીધી છે. આ તમામ નીતિગત ફેરફારોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે આ કડક દેશોથી અંતર જાળવી રહ્યા છે.
અહેવાલ દર્શાવે છે કે ૪૯% વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાનું મુખ્ય કારણ 'સારી નોકરી' મેળવવાનું છે, જ્યારે ૨૪% માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ મહત્વનું છે. આ જ કારણ છે કે જર્મની ઉપરાંત ફ્રાન્સ (૭%), સ્પેન અને ફિનલેન્ડ જેવા યુરોપિયન દેશો પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા હોટસ્પોટ બની રહ્યા છે. ફ્રાન્સ ૨૪ મહિના સુધીની સબસિડીવાળી ફી અને વર્ક પરમિટ આપે છે, જ્યારે ફિનલેન્ડ સ્નાતક થયા પછી બે વર્ષ સુધી નોકરી શોધવાની તક આપે છે. ટૂંકમાં, ભારતીય યુવાનો હવે બ્રાન્ડ વેલ્યુ કરતાં પોતાના કરિયરની સુરક્ષા અને બજેટને વધુ મહત્વ આપી રહ્યા છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
