તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
૧૦૦ વર્ષ સુધી બંધમાં કેદ રહેલી અમેરિકાની એલ્વ્હા નદી મુક્ત થતાં જ કુદરતે સર્જ્યો અકલ્પનીય ચમત્કાર: ઉજ્જડ જમીન પર હરિયાળી ખીલી, સૅલ્મોન માછલીઓનું પુનરાગમન!
વિશ્વના સૌથી મોટા ડેમ તોડવાના પ્રોજેક્ટ બાદ દાયકાઓથી નાશ પામેલી ઇકોસિસ્ટમ પુનર્જીવિત થઈ, સ્થાનિક આદિવાસી સંસ્કૃતિમાં નવો પ્રાણ પૂરાયો

વોશિંગ્ટન : એક સદી સુધી સિમેન્ટની વિશાળ દિવાલો પાછળ બંધીયાર રહેલી અને મૃતપ્રાય બની ગયેલી અમેરિકાના વોશિંગ્ટન રાજ્યની ૪૫ માઈલ લાંબી એલ્વ્હા (Elwha) નદી મુક્ત થતાં જ કુદરતનો એવો અદ્ભુત અને ઐતિહાસિક ચમત્કાર જોવા મળ્યો છે, જેણે સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. સદીઓ સુધી તબાહ થયેલી ઈકોસિસ્ટમ, અદ્રશ્ય થઈ ગયેલી વનસ્પતિઓ અને નાશ પામેલી જીવસૃષ્ટિ ડેમ તોડી પાડતાની સાથે જ ફરીથી એકવાર જીવંત થઈ ઉઠી છે.
ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ ૧૯૧૦ થી ૧૯૨૭ દરમિયાન પોર્ટ એન્જલસ શહેર અને સ્થાનિક મિલોને વીજળી પૂરી પાડવા માટે એલ્વ્હા નદી પર બે વિશાળ હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ—'એલ્વ્હા ડેમ' અને 'ગ્લાઇન્સ કેન્યોન ડેમ' બાંધવામાં આવ્યા હતા. આ ડેમોને કારણે નદીનો સ્વાભાવિક પ્રવાહ અટકી ગયો હતો. પરિણામે, સમુદ્રમાંથી નદીમાં ઇંડા મૂકવા આવતી સૅલ્મોન માછલીઓનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને તેમનો વ્યાપ ઘટીને માત્ર ૫ માઈલ સુધી સીમિત થઈ ગયો હતો. નદી પર નિર્ભર નીચલા ‘એલ્વ્હા ક્લાલ્મ’ આદિજાતિનું અસ્તિત્વ અને સંસ્કૃતિ પણ ખતરામાં મુકાઈ ગયા હતા.
પર્યાવરણવાદીઓ અને સ્થાનિક આદિવાસીઓના દાયકાઓના લાંબા કાનૂની સંઘર્ષ બાદ ૧૯૯૨ માં યુએસ કોંગ્રેસે વિશેષ કાયદો પસાર કર્યો. ત્યારબાદ વર્ષ ૨૦૧૧ માં આ બે વિશાળ ડેમોને તોડી પાડવાનો વિશ્વનો સૌથી મોટો ‘ડેમ રિમૂવલ પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો. ડેમની પાછળ ૧૦૦ વર્ષથી એકઠો થયેલો ૨૪ મિલિયન ઘન યાર્ડ જેટલો વિપુલ કાંપ અને માટી જ્યારે પાણી સાથે વહીને નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા, ત્યારે કુદરતે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું.
જેવો પાણીનો મુક્ત પ્રવાહ શરૂ થયો કે તરત જ ૧૦૦ વર્ષથી સુષુપ્ત અવસ્થામાં પડેલા કુદરતી બીજ ફરી અંકુરિત થઈ ગયા અને ઉજ્જડ જમીન ઘનઘોર હરિયાળીમાં ફેરવાઈ ગઈ. સાથોસાથ દાયકાઓથી ગાયબ થઈ ગયેલી સૅલ્મોન માછલીઓ પણ પોતાના પરંપરાગત માર્ગે નદીના ઉપરી ભાગો તરફ ફરીથી તરવા લાગી હતી. એલ્વ્હા નદીનું આ પુનરુત્થાન આજે સમગ્ર વિશ્વ માટે પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંતુલનનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની ગયું છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
