<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમેરિકાની રમત ખતમ થઈ જશે: એલોન મસ્કે આપી લોકશાહીના પતનની ગંભીર ચેતવણી

૨૦૨૮ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત થાય તો યુએસ એકપક્ષીય શાસનમાં ફેરવાઈ જવાનો મસ્કનો દાવો: સુપ્રીમ કોર્ટ પેકિંગ, બોર્ડર ઓપનિંગ અને નવા રાજ્યોના નિર્માણ જેવા ૩ મોટા જોખમો ગણાવી રિપબ્લિકન્સ માટે કર્યો કરોડો ડોલરનો ધુમાડો

વોશિંગ્ટન :  વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સ્પેસએક્સ  ના સીઈઓ એલોન મસ્કે અમેરિકી રાજકારણમાં એક સળગતું નિવેદન આપીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેતવણી આપતા લખ્યું છે કે જો ડેમોક્રેટિક પાર્ટી ભવિષ્યમાં સત્તાના ત્રણેય મુખ્ય અંગો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, સેનેટ અને રાષ્ટ્રપતિ પદ પર કબજો મેળવી લેશે, તો "અમેરિકાની રમત હંમેશા માટે ખતમ થઈ જશે." તેમણે દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સનો આ સંપૂર્ણ વિજય દેશની પરંપરાગત કાનૂની અને રાજકીય વ્યવસ્થાને કાયમ માટે છીનભિન્ન કરી નાખશે અને લોકશાહી માત્ર નામ પૂરતી રહી જશે.

મસ્કે પોતાની પોસ્ટમાં ત્રણ મુખ્ય જોખમો દર્શાવતા વિશ્લેષણ કર્યું હતું કે ડેમોક્રેટ્સ સત્તામાં આવતા જ વોશિંગ્ટન ડી.સી. અને પ્યુઅર્ટો રિકોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને સેનેટમાં પોતાની કાયમી બહુમતી સુનિશ્ચિત કરશે. આ સિવાય, દેશની આંતરરાષ્ટ્રીય સરહદો ખુલ્લી મૂકીને ગેરકાયદેસર વસવાટ કરતા લાખો લોકોને નાગરિકતા આપી પોતાની મતબેંક મજબૂત કરશે અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારીને ન્યાયતંત્ર પર અંકુશ મેળવી લેશે. મસ્કના મતે, જો આ પગલાં લેવામાં આવશે તો અમેરિકા કાયમી ધોરણે 'એક-પક્ષીય રાજ્ય' બની જશે અને ત્યાંથી વાપસી અશક્ય બની રહેશે.

પોતાની આ ચેતવણીને સમર્થન આપવા માટે એલોન મસ્ક અમેરિકન રાજકીય ઇતિહાસના સૌથી મોટા વ્યક્તિગત રાજકીય દાતા બન્યા છે. તેમણે પોતાના સંગઠન 'અમેરિકા પીએસી'  મારફતે રિપબ્લિકન પક્ષ અને તેમના ઉમેદવારો માટે $૪૪૨ મિલિયન (આશરે ₹૩,૭૦૦ કરોડથી વધુ) કરતાં પણ વધુ રકમનો વિરાટ ફંડ આપ્યો છે. સામે પક્ષે, સીબીએસ ન્યૂઝના સર્વેમાં ડેમોક્રેટ્સને ૨૨૯ બેઠકો સાથે આગળ બતાવવામાં આવ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા રેટિંગ ઘટીને ૩૭ ટકા સુધી પહોંચી ગઈ છે. આ તંગદિલી ભર્યા રાજકીય માહોલમાં મસ્કના આ નિવેદને વૈશ્વિક સ્તરે અમેરિકી લોકશાહીના ભવિષ્ય અંગે નવી ચર્ચા જગાવી છે.

(9:22 PM IST)