<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

અમેરિકાનું સુપરસોનિક ફાઈટર જેટ સ્કેમ: F-35 સ્ટીલ્થ જેટના સંવેદનશીલ ભાગો અચાનક ગુમ થઈને પહોંચ્યા ચીન? પેન્ટાગોન લાલઘૂમ!

ઓસ્ટ્રેલિયાથી અમેરિકા મોકલાયેલા F-35 ફાઈટર જેટના કોકપીટ અને હથિયારના દરવાજા હોંગકોંગ પહોંચતા ભારે ખળભળાટ; લોકહીડ માર્ટિન અને પેન્ટાગોને શરૂ કરી ઉચ્ચસ્તરીય તપાસ.

વોશિંગ્ટન : વિશ્વના સૌથી અત્યાધુનિક અને ગુપ્ત ગણાતા અમેરિકી ફાઈટર જેટ F-35ના અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પાર્ટ્સ શિપમેન્ટ દરમિયાન અચાનક ગાયબ થઈને ચીનના પ્રભાવ હેઠળના હોંગકોંગ પહોંચી જતાં અમેરિકી સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન'માં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાથી અમેરિકા મોકલવામાં આવી રહેલા આ ફાઈટર જેટના પાર્ટ્સમાં કોકપીટ કેનોપી (Cockpit Canopy) અને વેપન્સ-બે ડોર (Weapons-Bay Doors) જેવા અત્યંત ગુપ્ત તકનીક ધરાવતા ભાગો સામેલ હતા. આ ઘટના સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

 

F-35 જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસે આ ગંભીર ઘટના અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, તેઓ અને અમેરિકી સંરક્ષણ વિભાગ F-35 ના ભાગોની શિપમેન્ટ સાથે જોડાયેલી આ મોટી ગડબડથી સંપૂર્ણપણે વાકેફ છે. પેન્ટાગોન હાલમાં અમેરિકી સત્તાવાળાઓ, આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને મુખ્ય કોન્ટ્રાક્ટર લોકહીડ માર્ટિન (Lockheed Martin) સાથે મળીને આ પાર્ટ્સને તાત્કાલિક પાછા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે જ, ભવિષ્યમાં આવી કોઈ મોટી લશ્કરી જાસૂસી કે શિપમેન્ટમાં ગરબડ ન થાય તે માટે કડક સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સે પણ પત્રકારો સમક્ષ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે ફાઈટર જેટના કિંમતી ભાગો પોતાનો રસ્તો બદલીને હોંગકોંગ પહોંચી ગયા હતા. જોકે, તેમણે એ વાતનો ઈનકાર કર્યો હતો કે ગુમ થયેલા ભાગો કોઈ અતિસંવેદનશીલ સાધનો કે ગુપ્ત ટેકનોલોજી ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા એવા કેટલાક પસંદગીના દેશોમાં સામેલ છે જેની વાયુસેના આ સ્ટીલ્થ રડાર-ઈવેડિંગ ફાઈટર જેટનો ઉપયોગ કરે છે. હાલમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની તપાસ એજન્સીઓ એ શોધવામાં વ્યસ્ત છે કે આ પાર્ટ્સ ભૂલથી પહોંચ્યા હતા કે પછી તેની પાછળ ચીનની કોઈ મોટો આંતરરાષ્ટ્રીય કાવતરું કે જાસૂસી નેટવર્ક કામ કરી રહ્યું હતું.

 

(8:48 PM IST)