<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

વૈશ્વિક સ્થિતિમાં ઉલટફેર વચ્ચે સોના-ચાંદીમાં ભાવ હજુ ઘટશે કે ફરી તેજી આવશે ? રોકાણકારોમાં ભારે ઉત્સુકતા

સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી આગામી બેઠક પર નજર : વાટાઘાટો ગયા સપ્તાહે બનેલી એ રૂપરેખા પર આગળ વધશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેનો તણાવ સમાપ્ત કરવાનો છે.

 સોના અને ચાંદીના ભાવની ચાલ હાલમાં એક મર્યાદિત દાયરામાં જોવા મળી રહી છે, કારણ કે બજારની નજર અમેરિકા-ઈરાન વાટાઘાટો અને ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના માર્ગે થનારા ક્રૂડ ઓઈલ તથા એલએનજીના સપ્લાય પર ટકેલી છે.

અમેરિકા-ઈરાન કરાર સાથે જોડાયેલી ઘટનાઓ, ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધ-ઘટ અને વૈશ્વિક સ્તરના આર્થિક આંકડાઓ સોના અને ચાંદીના ભાવની આગામી દિશા નક્કી કરશે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોકાણકારોની નજર ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી આગામી બેઠક પર રહેશે, જ્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાનના સત્તાધિકારીઓ સાથેની વાતચીતનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે. આ વાટાઘાટો ગયા સપ્તાહે બનેલી એ રૂપરેખા પર આગળ વધશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેનો તણાવ સમાપ્ત કરવાનો છે. 

નિષ્ણાતોના મતે, આ વાટાઘાટોની સીધી અસર રોકાણકારોના જોખમ લેવાના વલણ અને ઊર્જા બજારો પર પડી શકે છે, જે આખરે સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરશે. ઘરેલું કોમોડિટી બજાર શુક્રવારે સવારના સત્રમાં મહોરમના કારણે બંધ રહેશે. મળતી માહિતી અનુસાર, "સોના અને ચાંદીની મૂવમેન્ટ હાલ સીમિત રેન્જમાં છે, કારણ કે બજાર અમેરિકા-ઈરાનની વાટાઘાટો અને હોર્મુઝની સામુદ્રધુની દ્વારા થતા ક્રૂડ ઓઈલ અને એલએનજીના સપ્લાય પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે." 

ગયા અઠવાડિયે મજબૂત રૂપિયા અને સ્થાનિક બજારમાં ઘટતી માંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો 3,325 અથવા 2.2 ટકા ઘટીને 1.47 લાખ પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. બીજી તરફ, ચાંદીના ભાવમાં 13,001 અથવા 5.3 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો હતો અને તે રૂપિયા 2.33 લાખ પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. 

મળતી માહિતી પ્રમાણે, "સોનું આખું અઠવાડિયું દબાણ હેઠળ રહ્યું અને લગભગ 2.2 ટકાના ઘટાડા સાથે બંધ થયું. એનર્જીની કિંમતોમાં ઘટાડો, મજબૂત રૂપિયો અને યુએસ ફેડરલ રિઝર્વના કડક નીતિગત વલણે કિંમતો પર દબાણ વધાર્યું હતું." તેમણે ઉમેર્યું કે મજબૂત રૂપિયાને કારણે બહારથી આયાત થતા સોનાની પડતર કિંમત ઘટી જાય છે, જેના લીધે સ્થાનિક બજારના ભાવો પર વધારાનું દબાણ આવે છે. 

વૈશ્વિક બજારોની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો વાયદો મામૂલી વધારા સાથે 4,24.9 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો, જ્યારે ચાંદી 2.03 ટકા ઘટીને 66.32 ડોલર પ્રતિ ઔંસ પર રહી હતી. મળતી માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત ડોલરના કારણે સોના-ચાંદી પર દબાણ જળવાઈ રહ્યું હતું, જેમાં ડોલર ઈન્ડેક્સ 100.60ની આસપાસ બંધ આવ્યો હતો. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધની ચિંતાઓએ સોનાને નીચલા મથાળે થોડો ટેકો આપ્યો હતો, પરંતુ રોકાણકારોનું મુખ્ય ધ્યાન અત્યારે પશ્ચિમ એશિયના રાજકીય ઘટનાક્રમ પર કેન્દ્રિત છે.

(7:19 PM IST)