તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
મોંઘવારી વચ્ચે સ્માર્ટફોન માર્કેટમાં મોટો બદલાવ: નવા ફાસ્ટેડ ફીચર્સ પાછળ દોડવાને બદલે રિફર્બિશડ અને પ્રીમિયમ સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા લોકોમાં ભારે ક્રેઝ
લાખો રૂપિયાના નવા ફોન ખરીદવાની આર્થિક મર્યાદા વચ્ચે યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સની પહેલી પસંદ બન્યા સેકન્ડ હેન્ડ પ્રીમિયમ ડિવાઈસિસ; ૧૩ ટકા સુધી વધી માગ

મુંબઈ : દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના તોતિંગ ભાવવધારા વચ્ચે મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. આજની આધુનિક જીવનશૈલીમાં સ્માર્ટફોન પણ અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે, પરંતુ માર્કેટમાં જ્યારે પણ કોઈ નવો ફ્લેગશિપ કે પ્રીમિયમ ફોન લોન્ચ થાય છે ત્યારે તેના ફીચર્સ કરતાં તેની ઊંચી કિંમત ચર્ચાનો વિષય બને છે. ચીપસેટ અને એડવાન્સ્ડ કેમેરા ટેક્નોલોજી મોંઘી થવાને કારણે નવા સ્માર્ટફોનના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ગ્રાહકોએ હવે નવો ફોન ખરીદવા માટે મોટું બજેટ ફાળવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આર્થિક તંગી અને મોંઘવારીના આ સમયગાળા વચ્ચે સ્માર્ટફોન માર્કેટમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના મહાનગરોમાં હવે ગ્રાહકો નવા મોંઘા ફોન પાછળ લાખો રૂપિયા ખર્ચવાને બદલે 'રિફર્બિશડ' (Refurbished) એટલે કે સેકન્ડ હેન્ડ પ્રીમિયમ ફોન ખરીદવા તરફ વળ્યા છે. ડીલર્સ દ્વારા સારી કંડિશનના જૂના ફોનને પ્રોફેશનલ ક્લિનિંગ અને જરૂરી રિપેરિંગ કરીને ફરીથી વેચાણ માટે યોગ્ય બનાવવામાં આવે છે, જેને ખરીદવા માટે યુવાનોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે.
રિફર્બિશડ ફોનની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે વર્તમાન સમયમાં આ પ્રકારના પ્રીમિયમ ડિવાઈસની માગમાં ૧૩ ટકા સુધીનો મોટો વધારો નોંધાયો છે. દરેક વર્ગના લોકો પાસે લાખો રૂપિયા ખર્ચીને લેટેસ્ટ આઈફોન કે સેમસંગના હાઈ-એન્ડ ફોન ખરીદવાની ક્ષમતા હોતી નથી. આવા સંજોગોમાં ઓછી કિંમતે પ્રીમિયમ ફીચર્સનો આનંદ માણવા માટે લોકો રિફર્બિશડ માર્કેટને ઉત્તમ વિકલ્પ માની રહ્યા છે.
બજારના આંકડા મુજબ, સામાન્ય રીતે જે નવા ફોન બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે, તેના પ્રીમિયમ વર્ઝન રિફર્બિશડ માર્કેટમાં આશરે ૨૦ હજારથી ૪૫ હજાર રૂપિયાની આસપાસના બજેટમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. જો આ જ બજેટમાં નવો ફોન ખરીદવામાં આવે તો તે માત્ર મિડ-રેન્જ (સામાન્ય કેટેગરી) નો ફોન જ મળે છે, જેમાં પ્રીમિયમ ફ્લેગશિપ લેવલનો અનુભવ મળતો નથી. આ જ કારણે કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા કન્ટેન્ટ ક્રિએટર્સ પ્રીમિયમ લુક અને બેસ્ટ કેમેરા ક્વોલિટી માટે રિફર્બિશડ ફોનને પ્રાથમિકતા આપી રહ્યા છે.
મુંબઈ જેવા મહાનગરોમાં ડીલર્સનું કહેવું છે કે હવે લોકોમાં એ માનસિકતા બદલાઈ ગઈ છે કે માર્કેટમાંથી માત્ર નવો જ ફોન ખરીદવો જોઈએ. સારી કંડિશન, ઓછો ઘસારો અને પરફેક્ટ વર્કિંગ ડિવાઈસ જો ઓછી કિંમતે મળતું હોય તો ગ્રાહકો તેને સ્માર્ટ ચોઈસ માને છે. વેપારીઓ પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે ફોનની બેટરી હેલ્થ, સોફ્ટવેર અપડેટ્સ, સ્ક્રીન અને કેમેરા સહિતના ૯૦ ટકાથી વધુ માપદંડો ચકાસીને જ ફોન વેચાણ માટે મૂકે છે.
આ માર્કેટમાં તેજીનું વધુ એક મોટું કારણ ડીલર્સ દ્વારા આપવામાં આવતી ૬ મહિનાથી લઈને ૧ વર્ષ સુધીની વોરંટી અને સરળ ફાઈનાન્સ સુવિધાઓ છે. ગ્રાહકો હવે મોંઘા નવા ડિવાઈસ પાછળ આડેધડ નાણાં ખર્ચવાને બદલે સ્માર્ટ રીતે બજેટ મેનેજ કરી રહ્યા છે. બદલાતા સમય સાથે ગ્રાહકોની આ બદલાયેલી ખરીદશૈલીએ સ્માર્ટફોન ઉદ્યોગના વ્યાપારિક સમીકરણો જ બદલી નાખ્યા છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
