<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કર્ણાટકના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા ગરમાવા વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની હાઈ-લેવલ બેઠક : સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેના ગજગ્રાહની અટકળો રાહુલ ગાંધીની હાજરીમાં ફગાવી દેવાઈ

પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ અને પ્રભારી રણદીપ સુરજેવાલાએ દિલ્હીમાં ચિત્ર સ્પષ્ટ કર્યું : હાઈ-લેવલ મંથન માત્ર રાજ્યસભા અને કર્ણાટક પરિષદની આગામી ચૂંટણીઓ સંદર્ભે જ યોજાયું હોવાનો સત્તાવાર દાવો

નવી દિલ્હી: કર્ણાટક રાજ્યમાં મુખ્યમંત્રી પદની ખુરશીને લઈને લાંબા સમયથી સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણની ચર્ચાઓ વચ્ચે આજે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ આલાકમાન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસ પક્ષે કર્ણાટક નેતૃત્વ પર ઉઠી રહેલા તમામ સવાલો અને રાજકીય અટકળોનો અંત આણીને ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે. રાહુલ ગાંધીની હાજરીમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ પદના વિવાદની વાતોને સદંતર ફગાવી દઈને કર્ણાટક સરકારમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો છે.

નવી દિલ્હીમાં યોજાયેલી આ મહત્વની બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ પત્રકારો સમક્ષ આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી બદલવા અંગે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ આગામી સમયમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી અને કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીઓની રણનીતિને લઈને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું છે.

આ પૂર્વે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી અને અગ્રણી નેતા રણદીપ સુરજેવાલાએ પણ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે દિલ્હીમાં બોલાવવામાં આવેલી આ બેઠક માત્ર રાજ્યમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની આગામી ચૂંટણીના સંદર્ભમાં જ આયોજિત કરવામાં આવી છે. આ જ વાતને દોહરાવતા આજે કેસી વેણુગોપાલે પણ જણાવ્યું છે કે બેઠકનો મુખ્ય એજન્ડા કર્ણાટકમાં પક્ષની ચૂંટણીલક્ષી તૈયારીઓનો જ હતો. આમ, દિલ્હીમાં યોજાયેલી આ હાઈ-લેવલ મીટિંગ બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેના કથિત વિવાદ પર પૂર્ણવિરામ મૂકીને સત્તાધારી પક્ષ એકજૂથ હોવાનો મજબૂત સંદેશ રાજકીય વર્તુળોમાં વહેતો કર્યો છે.

(7:03 PM IST)