News of Thursday, 26th November 2026
ઉત્તર પ્રદેશમાં ગઠબંધનના ઘમાસાણ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેની ઈમરાન મસૂદને ટકોર: "ટીવી પર વધુ બોલવાને બદલે સંગઠન માટે જમીની કામ કરો"
2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી મુદ્દે તણાવ ચરમસીમાએ; ‘કોંગ્રેસ ભાગીદાર છે, ભિખારી નથી’ કહી 60 બેઠકો પર પણ સમાધાન ન કરવાની મસૂદની ચીમકી બાદ ખડગેએ સંયમ રાખવા આપી સલાહ

લખનૌ, તા. ૨૬: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનના બે મુખ્ય સાથી પક્ષો—કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે સીટ વહેંચણીને લઈને આંતરિક ખેંચતાણ ખુલીને સામે આવી ગઈ છે. સપા સામે આક્રમક તેવર અપનાવી રહેલા સહારનપુરના સાંસદ અને યુપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈમરાન મસૂદને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખનૌમાં મહત્વની સલાહ આપી છે. ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું મસૂદને ટીવી પર ઘણીવાર જોઉં છું જ્યાં તેઓ ખૂબ ઉત્સાહથી બોલે છે, પરંતુ માત્ર વાતો કરવાને બદલે સંગઠન માટે નક્કર કામ કરવું વધુ જરૂરી છે." જોકે, ખડગેએ સંસદમાં પાર્ટીનો પક્ષ મજબૂતીથી રજૂ કરવા બદલ મસૂદની પ્રશંસા પણ કરી હતી.
વાસ્તવમાં, ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને સપા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. સપા દ્વારા કોંગ્રેસની સંમતિ વિના જ બેહટ અને સહારનપુર ગ્રામીણ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેવાતા ઈમરાન મસૂદે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ એકતરફી નિર્ણયને ગઠબંધનના ધર્મ વિરુદ્ધ ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા પગલાંથી સીધો ફાયદો ભાજપને થશે.
મસૂદના આક્રમક નિવેદનોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. 25 નવેમ્બરે તેમણે 26 બેઠકોના કથિત પ્રસ્તાવને ફગાવી દેતા કહ્યું હતું કે, "કોંગ્રેસ ગઠબંધનમાં બરાબરની ભાગીદાર છે, ભિખારી નથી." ત્યારબાદ 26 નવેમ્બરે વધુ આકરા તેવર બતાવતા તેમણે જાહેર કર્યું કે કોંગ્રેસ પોતાનો જનાધાર મજબૂત કરવા માટે 60 બેઠકો પર પણ સમાધાન નહીં કરે.
આ ઉપરાંત, મસૂદે સમાજવાદી પાર્ટી પર બંધ બારણે થતી બેઠકોની ગુપ્ત વાતો મીડિયામાં લીક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને અલગ ચૂંટણી ઢંઢેરાની યોજના સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ સામેની લડાઈમાં રાહુલ ગાંધીને સૌથી મોટી ગેરંટી ગણાવતા મસૂદે બસપા સુપ્રીમો માયાવતીને પણ વિપક્ષી ગઠબંધનમાં સામેલ કરવાની તરફેણ કરી હતી. જોકે, હવે ખડગેની સલાહ બાદ મસૂદના તેવર નરમ પડે છે કે કેમ તે જોવું રહ્યું.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
