તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે હનુમાનગઢીના મહંત રાજુદાસનું મોટું નિવેદન : Gen-Z સામે આકરા પ્રહાર! : “મોદીજી, લાકડી ઉપાડો!”
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સળગી રહેલા આંદોલન વચ્ચે મહંત રાજુદાસે રાષ્ટ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ઉછાળ્યો : વિરોધ પ્રદર્શનમાંથી મુક્ત થયેલા CJP નેતા સૌરવ દાસે સરકાર પર કટોકટી જેવા દમનનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ અને સરકાર સામે મોરચો માંડીને બેઠેલી 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શને હવે દેશભરમાં રાજકીય અને ધાર્મિક ગરમાવો લાવી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ‘મત ચોરી’ જેવા ગંભીર આરોપો સાથે શરૂ થયેલા આ આંદોલન પર હવે અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરના મહંત રાજુદાસે સખત વાંધો ઉઠાવ્યો છે. મહંત રાજુદાસે ખાસ કરીને આ આંદોલનમાં જોડાઈ રહેલા Gen-Zના યુવાનો પર નિશાન સાધતા કહ્યું કે, "જનરેશન-ઝેડ એવા હોવા જોઈએ જે દેશને જોડે, તેને વિભાજિત ન કરે." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું, "મોદીજી! આવા જનરેશન-ઝેડ સામે તમારી લાકડી અને બળનો ઉપયોગ કરો, આખો દેશ તમારી સાથે છે!" 'ભારત તેરે ટુકડે હોંગે' જેવા નારા લગાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણાવતા તેમણે ઉમેર્યું કે દેશને વિભાજન નહીં પરંતુ એકતા તરફ લઈ જતા યુવાનોની જરૂર છે.
બીજી તરફ, મહંત રાજુદાસે હિન્દુ રાષ્ટ્ર અને ભારતના ઇતિહાસ અંગે પણ પોતાના તીખા વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે હિન્દુ રાષ્ટ્રનો સાચો અર્થ 'રામરાજ્ય' છે—જ્યાં કોઈ સંઘર્ષ ન હોય, પરસ્પર સંવાદ હોય અને 'સબકા સાથ, સબકા વિકાસ'ની ભાવના સાથે સહુની પ્રગતિ થાય. તેમણે ભારતમાં વસતા દરેક નાગરિકને રાષ્ટ્રવાદી બનવાની હાકલ કરી હતી. ધર્મના આધારે દેશના ભાગલા અંગે બોલતા તેમણે આક્રમક સુરમા કહ્યું કે, "ધર્મના આધારે દેશના ભાગલા આપણે નથી કર્યા, મુસ્લિમોએ કર્યા છે અને તેઓ પોતાનો અલગ દેશ (પાકિસ્તાન) લઈ ચૂક્યા છે, તેથી હવે ભારતમાં રહેતા તમામ લોકોએ રાષ્ટ્રહિતને જ સર્વોપરી માનવું પડશે."
દરમિયાન, દિલ્હી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા CJP નેતાઓને રવિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્તિ મેળવ્યાના થોડા જ કલાકોમાં CJPના અગ્રણી નેતા સૌરવ દાસે એક આક્રમક પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સરકાર અને પોલીસ વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સૌરવ દાસે આકરા પ્રહાર કરતા કહ્યું કે, "મોદી સરકારે દેશમાં કટોકટી (ઇમરજન્સી) જેવી ભયાનક પરિસ્થિતિ ઉભી કરી દીધી છે અને આખું સરકારી તંત્ર પોતાના જ નાગરિકો સામે ઉતારી દીધું છે." તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે તેમની ગેરકાયદેસર અટકાયત કરી, મોબાઈલ જપ્ત કર્યા અને વકીલો સાથે વાત પણ ન કરવા દીધી. નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ દમનકારી પગલાંથી તેમનો અવાજ દબાશે નહીં અને હવે આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું મર્યાદિત ન રહેતા દેશના દરેક રાજ્ય અને જિલ્લા સુધી વિસ્તરણ પામશે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
