News of Thursday, 3rd September 2026
નેપાળના ઘોર વિનાશ વચ્ચે આકાશમાંથી ઉતરી આવી 'ઉડતી દેવદૂત': કાળઝાળ પૂર અને ભૂસ્ખલનમાં 6 દિવસમાં 100 લોકો માટે સંજીવની બની પ્રિયા અધિકારી!
હિમાલયની સાંકડી ખીણો, કાદવમાં ખતરનાક લેન્ડિંગ અને હવામાં 20 હેલિકોપ્ટરનો જમાવડો; નેપાળની પ્રથમ મહિલા કેપ્ટને જીવન બચાવવા રચી અદભુત મિશાલ

કાઠમંડુ, તા.03: દાયકાઓની સૌથી ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહેલા નેપાળમાં જ્યાં ચારેય તરફ કાદવ, પાણી અને કાટમાળનું સામ્રાજ્ય છે, ત્યાં આકાશમાંથી આવી રહેલા હેલિકોપ્ટર ફસાયેલા હજારો લોકો માટે એકમાત્ર આશાનું કિરણ બન્યા છે. નેપાળ-તિબેટ સરહદ નજીકના તિમુરે વિસ્તારમાં જ્યારે જમીન માર્ગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો, ત્યારે નેપાળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર કેપ્ટન પ્રિયા અધિકારીએ કાળ બનીને આવેલા પૂર વચ્ચે જિંદગીઓ બચાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. તેમણે માત્ર 6 જ દિવસમાં જીવન જોખમે મૂકીને 100 થી વધુ સાહસિક રેસ્ક્યૂ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.
મોતના મુખમાંથી લોકોને બહાર કાઢવાની આ કામગીરી કોઈ મહાભારતથી કમ નહોતી. તિમુરેની સાંકડી ખીણોમાં એકસાથે 20 જેટલા હેલિકોપ્ટરો સતત ઉડાન ભરી રહ્યા હતા, જ્યાં સેકન્ડોની ભૂલ પણ મોટી હોનારત સર્જી શકતી હતી. હવામાં જમીન જેવી દેખાતી સપાટી ખરેખર ઊંડો અને અસ્થિર કાદવ હોવાથી, કેપ્ટન પ્રિયાએ વિમાનનું એન્જિન બંધ કર્યા વગર જ લેન્ડિંગ કરી બચી ગયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની અદભુત ક્ષમતા દર્શાવી હતી. તેમણે આ વિનાશને 2015ના નેપાળ ભૂકંપ કરતાં પણ વધુ ભયાનક ગણાવ્યો હતો, જ્યાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને આખા ગામડાઓ ક્ષણવારમાં તબાહ થઈ ગયા હતા.
પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરી કેબિન ક્રૂ તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રિયાએ ફિલિપાઇન્સથી પાઇલટનું ટ્રેનિંગ સેશન પૂર્ણ કર્યું હતું. 2017માં કમર્શિયલ પાઇલટ બન્યા બાદ તેમણે હિમાલયની 6,200 મીટરથી વધુ ઊંચાઈ પરથી ઘાયલ પર્વતારોહકોને બચાવીને પોતાની કાબિલિયત સાબિત કરી હતી. ભારે થાક અને ખરાબ હવામાન વચ્ચે પણ કોકપિટમાંથી મળતા બચી ગયેલા લોકોના સ્મિતને પોતાની તાકાત બનાવનાર કેપ્ટન પ્રિયા કહે છે, "આ કામગીરી કોઈ ચમત્કાર નથી, પણ આ જ માટે આપણને તાલીમ આપવામાં આવે છે."
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
