તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ડૉ. શ્રીકાંત શિંદેના કેન્દ્રીય પ્રધાનપદની ચર્ચા વચ્ચે વાયરલ થયેલી રૂ. ૫૦૦ કરોડની ઓડિયો ક્લિપ પાછળનું અસલી રહસ્ય શું?: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયા સમીકરણો
મહાયુતિ ગઠબંધનમાં આંતરિક અવિશ્વાસ અને મતભેદો સપાટી પર: ભાજપ અને શિવસેનાના નેતાઓના વિરોધાભાસી દાવાઓ વચ્ચે માસ્ટરમાઇન્ડની શોધખોળ તેજ

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ રૂ. ૫૦૦ કરોડની કથિત ઓડિયો ક્લિપને લઈને ભારે ભૂકંપ સર્જાયો છે. મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ દ્વારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ગંભીર આરોપો મૂક્યા બાદ આ વાયરલ ક્લિપે રાજકીય ગલિયારામાં હલચલ મચાવી દીધી છે. આ રેકોર્ડિંગમાં એક મહિલાનો અવાજ સંભળાય છે જેમાં એકનાથ શિંદેએ જરાંગેને રૂ. ૫૦૦ કરોડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, ખાસ કરીને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેના દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનપદ મળવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી બરાબર તે જ સમયે આ ક્લિપ વાયરલ થવા પાછળના ટાઈમિંગને લઈને અનેક મોટા સવાલો ઊભા થયા છે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો અને પત્રકારોના મતે, મહાયુતિ ગઠબંધન પાસે વિધાનસભામાં મજબૂત સંખ્યાબળ હોવા છતાં અંદરખાને બધું સમસૂતરું ચાલી રહ્યું નથી. શ્રીકાંત શિંદેના પ્રધાનપદની સંભાવના અને મહારાષ્ટ્ર સરકારમાં શિંદે જૂથનું વધતું રાજકીય વજન ભાજપના કેટલાક નેતાઓ માટે ચિંતાનો વિષય બન્યું છે કે કેમ, તે એક મોટો તર્ક છે. આ ઓડિયો ક્લિપ દિલ્હીથી વાયરલ કરવામાં આવી કે મહારાષ્ટ્રના જ કોઈ રાજકીય નેતૃત્વ દ્વારા તેને બહાર લાવવામાં આવી, તે અંગે તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ એકનાથ શિંદેને ગઠબંધનમાં નાના ભાગીદાર તરીકે સીમિત રાખવા માગે છે કે પછી આ ગઠબંધનને તોડવાનું કોઈ મોટું ષડયંત્ર છે, તે તપાસનો વિષય બન્યો છે.
બીજી તરફ, આ ઓડિયો ક્લિપની પ્રામાણિકતા અને સત્યતાને લઈને પણ સત્તાધારી પક્ષોમાં જ ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા આશિષ શેલારે સ્પષ્ટ દાવો કર્યો છે કે આ ઓડિયો ક્લિપ અસલી નથી પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવટી રીતે તૈયાર કરવામાં આવી છે. જ્યારે તેનાથી વિપરીત, શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે આ ક્લિપને અસલી ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે શિંદેસાહેબને રાજકીય રીતે મુશ્કેલીમાં મૂકવા માટે જ જાણી જોઈને આ કારસ્તાન કરવામાં આવ્યું છે. એક જ ગઠબંધનના બે મુખ્ય પક્ષોના આ પ્રકારના વિરોધાભાસી નિવેદનોથી સાથી પક્ષો વચ્ચે પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને ૨૩૨ થી ૨૩૫ ધારાસભ્યોનું ભારી સમર્થન પ્રાપ્ત છે, જેથી વર્તમાન સરકારના અસ્તિત્વ સામે કોઈ ખતરો નથી, પરંતુ સાથી પક્ષો વચ્ચેના આંતરિક સંકલનમાં મોટો ભંગાણ પડ્યો છે. વર્ષ ૨૦૨૨ થી જે પરસ્પર વિશ્વાસ અને સહકારના આધારે આ ગઠબંધન ચાલી રહ્યું હતું, તેને આ વિવાદથી ભારે નુકસાન થઈ શકે છે. જાહેરમાં એકબીજા પર આક્ષેપબાજી કરવાથી વિપક્ષોને બેઠાં બેઠાં મોટો રાજકીય ફાયદો મળી રહ્યો છે, જે આગામી ચૂંટણીઓમાં શાસક પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ સમગ્ર પ્રકરણમાં ઓડિયો ક્લિપ અસલી છે કે એઆઈ જનરેટેડ, તે કોણે રચી અને તેની પાછળ કયા દિલ્હી કે મહારાષ્ટ્રના નેતાનો હાથ છે તે હજુ રહસ્યના દાયરામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ મામલે ફોરેન્સિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે, અને પોલીસ તેમજ તપાસ એજન્સીઓના સત્તાવાર અહેવાલો આવ્યા બાદ જ આ રાજકીય રહસ્ય પરથી પડદો ઉચકાશે. ત્યાં સુધી મહાયુતિના આંતરિક સમીકરણોમાં આ વિવાદ આગની જેમ ફેલાતો રહેશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
