<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મિડલ ઈસ્ટના મહાયુદ્ધની આશંકા વચ્ચે નવું સૈન્ય સમીકરણ! કુવૈતને સુરક્ષિત કરવા પાકિસ્તાન મોકલશે હજારો સૈનિકો અને ફાઈટર ડ્રોન? સંરક્ષણ કરાર પર ગુપ્ત મંથન

યુએસ-ઈરાન ભીષણ તણાવ વચ્ચે ગલ્ફ દેશોમાં સુરક્ષાની ચિંતા વધી: સાઉદી અરેબિયા બાદ હવે કુવૈત પણ પાકિસ્તાન સાથે વ્યાપક મિલિટરી ડીલ કરવા આતુર, બદલામાં પાકિસ્તાનને મળશે મોટું રોકાણ અને સસ્તું ક્રૂડ ઓઈલ

ઇસ્લામાબાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે પર્સિયન ગલ્ફ (અખાતી વિસ્તાર) માં વધી રહેલા ભયાનક સૈન્ય તણાવની વચ્ચે મિડલ ઈસ્ટનું સુરક્ષા માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. બદલાતા સમીકરણો વચ્ચે હવે પાકિસ્તાન અને કુવૈત એક મોટી અને વ્યાપક સંરક્ષણ ભાગીદારી (Defense Partnership) કરવા માટે પ્રારંભિક તબક્કાની ગુપ્ત ચર્ચાઓ કરી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવિત કરારમાં માત્ર સૈન્ય સહયોગ જ નહીં, પરંતુ પાકિસ્તાનની કંગાળ આર્થિક સ્થિતિને બેઠી કરવા માટે મોટા પાયે ઉર્જા સહયોગ અને નવા રોકાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કુવૈતની 'વિશ લિસ્ટ' માં બધું જ સામેલ, પાકિસ્તાન મૂંઝવણમાં:
પાકિસ્તાન અને કુવૈત વચ્ચે વર્ષ ૨૦૨૩થી એક મર્યાદિત સંરક્ષણ કરાર અસ્તિત્વમાં છે, જેના અંતર્ગત બંને દેશો લશ્કરી તાલીમ અને સંયુક્ત કવાયતો કરે છે. જો કે, વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિને જોતા કુવૈત હવે સાઉદી અરેબિયા જેવો જ એક વ્યાપક અને મજબૂત પરસ્પર સંરક્ષણ કરાર કરવા ઈચ્છે છે. કુવૈતના સત્તાવાર પ્રસ્તાવમાં પાકિસ્તાન પાસે હજારો સૈનિકોની તૈનાતી, ફાઇટર એરક્રાફ્ટ, અત્યાધુનિક ડ્રોન અને હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense Systems) ની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાનના એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે কুવૈતની 'ઈચ્છા સૂચિ' (Wish List) માં બધું જ સામેલ છે, પરંતુ ઇસ્લામાબાદ હાલ સીધા લડાયક સૈનિકો મોકલવા અંગે ભારે સાવચેતી પૂર્વક વિચારણા કરી રહ્યું છે.

સાઉદી સાથેની ડીલથી પાકિસ્તાનના શ્વાસ અધ્ધર:
આ વાટાઘાટો એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન પોતે ગલ્ફ ક્ષેત્રમાં તેની સૈન્ય પ્રતિબદ્ધતાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. ગયા વર્ષે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક પરસ્પર સંરક્ષણ કરાર કર્યો હતો, જેમાં પાકિસ્તાને તેહરાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે સાઉદી પરનો કોઈપણ હુમલો પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે. હવે ઇસ્લામાબાદના અધિકારીઓને ડર છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે ખુલ્લું યુદ્ધ ફાટી નીકળશે, તો સાઉદી સાથેની આ મિલિટરી ડીલ પાકિસ્તાનને પણ ઈરાન સામેના આ ભયાનક સંઘર્ષમાં બળજબરીથી ખેંચી જશે.

અમેરિકા પરથી ભરોસો ઉઠતાં પાકિસ્તાન બન્યું 'તારણહાર':
અખાતી દેશોમાં અત્યાર સુધી અમેરિકા સુરક્ષાની ગેરંટી આપતું હતું, પરંતુ તાજેતરના સમયમાં યુએસ સુરક્ષા ગેરંટીઓની લાંબા ગાળાની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા થયા છે. પરિણામે, કુવૈત, બહેરીન અને જોર્ડન જેવા દેશો હવે અમેરિકા સિવાયના અન્ય સુરક્ષા વિકલ્પો શોધી રહ્યા છે. પાકિસ્તાન પાસે સાઉદી સાથેના મજબૂત સંબંધો, યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સૈન્ય સંપર્કો અને એક સ્થાપિત પરમાણુ શક્તિ ધરાવતી લશ્કરી ક્ષમતા હોવાને કારણે ગલ્ફ દેશો તેને એક ભરોસાપાત્ર સૈન્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ ઉપરાંત, તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે પણ એક અલગ બહુપક્ષીય સંરક્ષણ કરારનો મુસદ્દો તૈયાર થઈ રહ્યો હોવાના અહેવાલો છે.

સુરક્ષાના બદલામાં પાકિસ્તાનને મળશે 'તેલની તાકાત':
આ કરાર પાકિસ્તાન માટે માત્ર સરહદી સુરક્ષાનો નથી, પરંતુ તેના ડૂબતા અર્થતંત્ર માટે ઓક્સિજન સમાન સાબિત થઈ શકે છે. ઇસ્લામાબાદ પોતાના વ્યૂહાત્મક ઇંધણ ભંડાર (Strategic Fuel Reserves) ને મજબૂત કરવા માટે કુવૈત પાસે મોટો ઉર્જા સહયોગ ઈચ્છી રહ્યું છે. કુવૈત હાલમાં પાકિસ્તાનમાં અદ્યતન 'બોન્ડેડ ઇંધણ સંગ્રહ સુવિધાઓ' (Bonded Fuel Storage Facilities) સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના હાલના સરકાર-થી-સરકાર (G2G) ડીઝલ સપ્લાય કરારને વધુ મજબૂત બનાવશે. જો યુએસ અને ઈરાન વચ્ચેનો તણાવ થોડો પણ હળવો થશે, તો આ સંરક્ષણ અને ઉર્જા ડીલ ખૂબ જ ઝડપથી અંતિમ ચરણમાં પહોંચશે તેવી સંભાવના છે.

(7:39 PM IST)