તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની જુગલબંધી દુનિયા માટે સંકટમોચક બનશે
પીએમ મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં કર્યુ સંબોધનઃ ઇન્ડોનેશિયાની મુલાકાત પૂર્ણ કરી પીએમ મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યાઃ પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી : ભારતના પરમાણુ મિશન માટે ઓસ્ટ્રેલિયાના અખૂટ યુરેનિયમ ભંડાર અને $૪ ટ્રિલિયનથી વધુના પેન્શન ફંડને મોકળા મને રોકાણ કરવા માટે આહવાન કર્યુઃ બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થશે

મેલબોર્ન, તા.૯: વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોમાં અત્યારે ભારે ઉથલપાથલ મચી છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો એક નવા અને અત્યંત મહત્વકાંક્ષી વળાંક પર આવી પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાની હાઇ-પ્રોફાઇલ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત અને ગરિમાપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે મેલબોર્નની ધરતી પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓથી ખિચોખિચ ભરાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું હતું. આ મંચ પરથી વૈશ્વિક પરિસ્થિતિનો ચિતાર આપતા વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્તમાન સમય અનિヘતિતા, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટા વિક્ષેપો અને ભયંકર ઉર્જા કટોકટીનો છે. આવા કપરા અને પડકારજનક વાતાવરણમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક કુદરતી અને સંપૂર્ણ વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આવવું એ માત્ર બંને દેશોની જરૂરિયાત નથી, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતા માટે અનિવાર્ય છે. વર્ષ ૨૦૨૨ માં રેકોર્ડ ગતિએ હસ્તાક્ષર કરાયેલા આર્થિક સહકાર અને વેપાર કરાર એ આપણા દ્વિપક્ષીય સંબંધોને અદભુત મજબૂતી આપી છે અને તેના અમલીકરણ બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ સીધી બમણી થઈ ગઈ છે, જે બંને દેશોના બજારો માટે સુવર્ણકાળ સમાન છે.
આ ભવ્ય આર્થિક મહાકુંભના મંચ પરથી પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વિશાળ યુરેનિયમ ભંડાર, અદ્યતન હાઇ-ટેક ટેકનોલોજી અને ઼૪ ટ્રિલિયનથી વધુની માતબર કિંમતના પેન્શન ફંડ્સ (સુપરએન્યુએશન ફંડ્સ) ને ભારતની અવિરત વિકાસ યાત્રામાં સીધા ભાગીદાર બનવા માટે સત્તાવાર અને ખુલ્લું આમંત્રણ આપીને રોકાણકારોમાં નવો ઉત્સાહ ફૂંકયો હતો. ઓસ્ટ્રેલિયન નાણાકીય સંસ્થાઓને આકર્ષિત કરતા તેમણે અત્યંત ગંભીરતાપૂર્વક ખાતરી આપી હતી કે, ભારતીય સંસ્કળતિ અને શાસનમાં સામાન્ય જનતાની પેન્શન બચતને એક પવિત્ર ટ્રસ્ટ એટલે કે પવિત્ર ધરોહર માનવામાં આવે છે, તેથી વિદેશી રોકાણકારો પોતાની મૂડીની સુરક્ષા અંગે સો ટકા આત્મવિશ્વાસ અનુભવી શકે છે. ભારત અત્યારે અદભુત સ્કેલ અને સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે, જેનું ઉત્કળષ્ટ ઉદાહરણ એ છે કે દેશમાં અત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો દરરોજ ૩૪ કિલોમીટરની રેકોર્ડબ્રેક ગતિએ વિસ્તરી રહ્યા છે અને ભારતીય રેલ્વે નેટવર્ક પર દરરોજ ૧૮ કિલોમીટરથી વધુ નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો માળખાગત વિકાસ વૈશ્વિક રોકાણકારો માટે બંદરો, એરપોર્ટ અને સ્માર્ટ સિટીઝ જેવા મેગા પ્રોજેક્ટ્સમાં મૂડી રોકવાની સર્વશ્રેષ્ઠ અને ટકાઉ તકો પૂરી પાડે છે.
મુલાકાતનો સૌથી ક્રાંતિકારી અને વ્યૂહાત્મક અંશ પરમાણુ ઉર્જા અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારતની હરણફાળનો હતો, જ્યાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના યુરેનિયમને ભારતના ભવિષ્ય સાથે જોડી દીધું હતું. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે ભારતે વર્ષ ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને આ હેતુ માટે તાજેતરમાં જ એક ઐતિહાસિક કાયદાકીય સુધારા દ્વારા ભારતમાં ખાનગી કંપનીઓ માટે પરમાણુ ક્ષેત્રના દરવાજા સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનો અખૂટ યુરેનિયમ ભંડાર સીધો જ ભારતના પરમાણુ પ્રવાસનું મુખ્ય ઇંધણ બની શકે છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ઊભી કરવા અને વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવા માટે ભારતમાં હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન, સોલાર મોડ્યુલ્સ અને વિન્ડ ટર્બાઇન માટે એક વિશાળ ઉત્પાદન ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની મૂડી અને ટેકનોલોજી ઉત્પ્રેરકનું કામ કરશે. ભારત અત્યારે કાચા સ્ટીલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે, જેથી બંને દેશો હવે ઓછા કાર્બનવાળા એલ્યુમિનિયમ અને ગ્રીન આયર્ન જેવા પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનો પર સાથે મળીને કામ કરશે. સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન, ક્વોન્ટમ મિશન અને સેમિકન્ડક્ટર પ્રોગ્રામ માટે ભારત સરકારે ૧૦ બિલિયનથી વધુની જે નાણાકીય સહાય જાહેર કરી છે, તે બંને દેશોને સંયુક્ત રીતે વૈશ્વિક ટેકનોલોજીકલ ઉકેલો વિકસાવવામાં મોખરે રાખશે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
