<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

2029 પહેલા 21 NDA રાજ્યોમાં UCC લાગુ કરવાની અમિત શાહની જાહેરાતથી રાજકીય ખળભળાટ: JDU એ પરામર્શ વિના અમલ સામે વાંધો ઉઠાવ્યો

JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ ગૃહમંત્રી સાથે મુલાકાત માગી: તમામ કોમ, રાજ્યો અને હિતધારકો સાથે વ્યાપક ચર્ચા કરવા માંગણી

નવી દિલ્હી :  મુંબઈ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં સમાન નાગરિક સંહિતા  અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2029 પહેલા ભાજપની આગેવાની હેઠળના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં UCC લાગુ કરી દેવામાં આવશે. લગ્ન, છૂટાછેડા, દત્તક વિધાન અને વારસા જેવા વ્યક્તિગત કાયદાઓમાં તમામ ધર્મો માટે એકસમાન જોગવાઈ ધરાવતા આ કાયદા અંગે અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉત્તરાખંડ મોડેલની જેમ જ અન્ય રાજ્યોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.

અમિત શાહની આ જાહેરાત બાદ NDAના મુખ્ય સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડ (JDU) માં ભારે ખળભળાટ મચી ગયો છે. JDU ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તાકીદની મુલાકાત માંગી છે. JDU નું વલણ છે કે તેઓ UCC પર ચર્ચાના વિરોધી નથી, પરંતુ તમામ હિતધારકો, વિવિધ ધાર્મિક લઘુમતીઓ અને રાજ્ય સરકારો સાથે વ્યાપક પરામર્શ અને ચર્ચા કર્યા વિના તેનો સીધો અમલ ન થવો જોઈએ.

પટણા ખાતે JDU નેતા નીરજ કુમારે જણાવ્યું હતું કે પક્ષ પોતા અગાઉના વલણ પર અડગ છે. નીતિશ કુમારે અગાઉ કાયદા પંચને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે UCC ના કારણે દેશના કોઈપણ સમુદાય કે કોમની લાગણીઓને નુકસાન ન પહોંચવું જોઈએ. બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરે તમામ નાગરિકોને અધિકારો આપ્યા છે, તેથી સર્વસંમતિ સાધવી જરૂરી છે. વધુમાં, JDUના મહાસચિવ શ્યામ રજકે બિહારમાં UCC લાગુ ન થવા દેવાનું નિવેદન આપતા NDAમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

સાથી પક્ષોની આ ચિંતાઓ વચ્ચે ભાજપ તરફથી જણાવવામાં આવ્યું છે કે સાથી પક્ષોનો આ વાંધો નવો નથી અને ઉત્તરાખંડની જેમ વ્યાપક ચર્ચા બાદ જ આ નિર્ણય આગળ વધારવામાં આવશે. TDP સહિતના અન્ય સાથી પક્ષો પણ ભૂતકાળમાં ડ્રાફ્ટ પર વ્યાપક ચર્ચાની માંગ કરી ચૂક્યા છે.

(7:34 PM IST)