તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
જર્મનીના ફોસ્ટર કેરમાં સપડાયેલી માસૂમ અરિહા શાહને ભારત લાવવા અમિતભાઈ શાહનું આશ્વાસન: અમદાવાદમાં જૈન આચાર્ય સાથે બેઠક યોજી આપી ખાતરી
કેન્દ્રીય ગૃહમંત્રીએ પાલડી ખાતે જૈન ગચ્છાધિપતિ સાથે ૨૦ મિનિટ સુધી ચર્ચા કરી; ગુજરાતની દીકરીને વહેલી તકે વતન પરત લાવવા કેન્દ્રીય સ્તરેથી પ્રયાસો તેજ કરાયા

અમદાવાદ : જર્મનીના ફોસ્ટર કેરમાં છેલ્લા લાંબા સમયથી સપડાયેલી ગુજરાતની માસૂમ બાળકી અરિહા શાહને સહીસલામત ભારત પાછી લાવવાના કાનૂની અને રાજદ્વારી પ્રયાસોને મોટું બળ મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન જૈન ગચ્છાધિપતિને રૂબરૂ મળીને ખાતરી આપી છે કે, આ અત્યંત સંવેદનશીલ કેસ પર તેમની સીધી નજર છે અને ખૂબ જ ટૂંક સમયમાં દેશની આ દીકરી પોતાના વતનમાં પરત ફરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સ્થાનક ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે આશરે ૨૦ મિનિટ સુધી વિવિધ વિષયો પર સઘન ચર્ચા થઈ હતી. જે પૈકી વિશેષ રૂપે ૮ મિનિટ સુધી જૈન સમાજની દીકરી અરિહા શાહને જર્મનીની કસ્ટડીમાંથી મુક્ત કરાવી ભારત લાવવાના કેસ અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જૈન આચાર્યને વચન આપતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ મામલે તમામ રાજદ્વારી માર્ગો અપનાવી રહી છે. આ કેસનો ઝડપથી ઉકેલ લાવીને ગુજરાતની દીકરીને વહેલી તકે પોતાના વતન અને પરિવાર પાસે પાછી લાવવા માટે સરકાર પૂરી ગંભીરતાથી કામ કરી રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદના ધારાબેન લગ્ન બાદ પતિ સાથે જર્મની ખાતે સ્થાયી થયા હતા, જ્યાં દીકરી અરિહાનો જન્મ થયો હતો. બાળકીના જન્મની ખુશીમાં દાદા-દાદી પણ જર્મની ગયા હતા. તે સમયે રમતા રમતા અકસ્માતે બાળકીના ગુપ્ત ભાગે મામૂલી ઈજા પહોંચતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાદમાં રૂટિન ફોલોઅપ સમયે જર્મન હોસ્પિટલ તંત્રે બાળકી પર શારીરિક અત્યાચારનો ખોટો આક્ષેપ મૂકીને તેને પોતાના કબજામાં લઈ લીધી હતી.
માત્ર પાંચ વર્ષની બાળકી અરિહા શાહ છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં દિવસો વિતાવી રહી છે. માનસિક રીતે પીડા આપનારી બાબત એ છે કે આટલી નાની વયે તેને અત્યાર સુધીમાં ૫ વખત અલગ-અલગ ફોસ્ટર હોમમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના લીધે બાળકીને કોઈ સ્થિર કે હૂંફાળું વાતાવરણ મળી શક્યું નથી.
હાલમાં બાળકીના માતા-પિતા મહિનામાં માત્ર બે જ વાર જર્મન સત્તાવાળાઓની દેખરેખ હેઠળ તેને મળી શકે છે. હવે માતા-પિતાના જર્મનીના વિઝા પૂરા થવાના આરે હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. તેવામાં દેશના ગૃહમંત્રીની સીધી દખલગીરી અને વચનથી પરિવાર તથા જૈન સમાજમાં બાળકીના સ્વદેશ વાપસી માટે નવી આશાનું કિરણ પ્રગટ્યું છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
