તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અમિતાભ બચ્ચનનું એ કલ્ટ સોન્ગ જે રવીન્દ્રનાથ ટાગોરની રચનામાંથી પ્રેરિત છે: દાયકાઓ પછી પણ સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કરે છે આ ગીત
૧૯૮૧ની સુપરહિટ ફિલ્મ 'યારાના'નું લોકપ્રિય ગીત 'છૂકર મેરે મન કો...' આજે પણ લોકોની પ્લેલિસ્ટમાં અકબંધ, જાણીતા સંગીતકાર રાજેશ રોશને રવીન્દ્ર સંગીતની ધૂન પર રચ્યું હતું આ સદાબહાર નગ્મું

મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની કારકિર્દીમાં અનેક યાદગાર ફિલ્મો અને ગીતો નોંધાયેલા છે, પરંતુ કેટલાક ગીતો એવા હોય છે જે સમયની સાથે જૂના થવાને બદલે વધુ લોકપ્રિય બનતા જાય છે. આવું જ એક અમર ગીત એટલે ૧૯૮૧માં આવેલી ફિલ્મ 'યારાના'નું 'છૂકર મેરે મન કો કિયા તૂને ક્યા ઈશારા'. આ ગીત વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તે માત્ર એક ફિલ્મી ગીત નથી, પરંતુ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક અમર રચનામાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યું હતું.
રવીન્દ્ર સંગીતમાંથી લીધી પ્રેરણા
સંગીતપ્રેમીઓમાં આજે પણ ગુંજતું આ ગીત વાસ્તવમાં રવીન્દ્રનાથ ટાગોરના પ્રસિદ્ધ 'રવીન્દ્ર સંગીત' – 'તુમાર હોલો શુરુ, આમાર હોલો સારા' (Tomaar Holo Shuru Aamar Holo Shaaraa) થી પ્રભાવિત છે. સંગીતકાર રાજેશ રોશને ગુરુદેવની આ અદ્ભુત બંગાળી રચનાને હિન્દી સિનેમાના માહોલમાં ખૂબ જ કુશળતાપૂર્વક ઢાળી હતી. ગીતની શરૂઆતની પંક્તિઓ સીધી રીતે આ રવીન્દ્ર સંગીતમાંથી લેવામાં આવી છે, જે તેને એક અલગ જ ગહનતા અને શાંતિ આપે છે.
કિશોર કુમારના અવાજનો જાદુ
આ ગીતને પોતાની મखमલી અને રુંવાડા ઉભા કરી દે તેવી અવાજમાં કિશોર કુમારે ગાયું હતું. ગીતકાર અંજાન દ્વારા લખાયેલા આ ગીતના શબ્દો અને કિશોર કુમારના ગાયકીના અંદાજે તેને એક 'કલ્ટ ક્લાસિક' બનાવી દીધું. ફિલ્મ 'યારાના'માં અમિતાભ બચ્ચન અને અમજદ ખાનની દોસ્તી મુખ્ય વિષય હતો, પરંતુ આ રોમેન્ટિક ગીતે દર્શકોના હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું.
આજે ૪૫ વર્ષ પછી પણ જ્યારે આ ગીત સાંભળવા મળે છે, ત્યારે તે એટલું જ તાજગીભર્યું લાગે છે. અમિતાભ બચ્ચન પર ફિલ્માવવામાં આવેલા આ ગીતે સાબિત કર્યું છે કે ઉત્તમ સંગીત ક્યારેય સીમાઓ કે સમયના બંધનમાં બંધાતું નથી. ગુરુદેવની કલા અને બોલીવુડના સૂરનો આ સુમેળ આજે પણ સંગીત રસિકો માટે એક અમૂલ્ય વિરાસત સમાન છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
