<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

અરુણાચલ પ્રદેશ માટે અમિતભાઈ શાહ આજે ‘સહકારિતા વિઝન-૨૦૪૭’ જાહેર કરશે : ૫૬૧૦ કરોડથી વધુની વિકાસ યોજનાઓ

શિક્ષણ, વીજળી, રસ્તાઓ અને સરહદી ગામોના વિકાસને પ્રાથમિકતા : એનડીઆરએફની ૧૨મી બટાલિયનના નવા સંકુલનું ઉદ્ઘાટન પણ નિર્ધારિત

ઇટાનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે રવિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ‘અરુણાચલ પ્રદેશ સહકારિતા વિઝન-૨૦૪૭’ દસ્તાવેજનું અનાવરણ કરવાના છે. આ દસ્તાવેજમાં આગામી બે દાયકામાં રાજ્યના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર બનાવવાની લાંબા ગાળાની રૂપરેખા રજૂ કરવામાં આવશે.

 

કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાત મુજબ અમિત શાહ કુલ ૫૬૧૦.૯૫ કરોડ રૂપિયાની ચાર મુખ્ય વિકાસ પહેલો શરૂ કરવાના છે. તેમાં ‘મિશન શિક્ષિત અરુણાચલ’ના બીજા તબક્કા માટે ૧૫૦૦ કરોડ, રાજ્યના વીજળી વિકાસ કાર્યક્રમ માટે ૨૦૦૦ કરોડ અને ગ્રામીણ માર્ગ વિકાસ કાર્યક્રમ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત રાજ્યના ૧૧ સરહદી જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ વિલેજીસ’ કાર્યક્રમ હેઠળ ૧૧૦.૯૫ કરોડ રૂપિયાના ૧૯૯ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. સરહદી ગામોમાં માળખાકીય સુવિધા, શિક્ષણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

 

ઇટાનગરના દોર્જી ખાંડુ રાજ્ય કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી સહકારી સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવશે. મહિલા સ્વસહાય જૂથોના સભ્યો સાથે સંવાદ, સહકારી સંસ્થાઓને પ્રમાણપત્રોનું વિતરણ, અનાજ સંગ્રહ ગોદામનું ઉદ્ઘાટન અને ગ્રામીણ ઉત્પાદનોના ઓનલાઇન વેચાણ માટે નવી વ્યવસ્થાની શરૂઆત પણ કાર્યક્રમમાં સામેલ છે.

 

અમિતભાઈ બપોરે ઇટાનગર નજીક હોલોંગી ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળની ૧૨મી બટાલિયનના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવાના છે. આ સુવિધાથી ભૂસ્ખલન, પૂર અને અન્ય કુદરતી આફતો વખતે બચાવ કામગીરી વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.

(12:17 PM IST)