તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ભારતના રાજકારણમાં યુગ પરિવર્તન: તુષ્ટિકરણના ગઢ ધરાશાયી, પાંચ રાજ્યોના પરિણામોએ મુસ્લિમ વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ વગાડ્યો!
બંગાળમાં કેસરિયુ પ્રભાત અને આસામમાં 'કિંગમેકર' અજમલનો અસ્ત: હિન્દુ રાજકીય એકતા સામે સેક્યુલર કાર્ડ ખેલનારા પક્ષોને જનતાએ ઘરભેગા કર્યા

નવી દિલ્હી, તા.૦૪: ભારતીય રાજનીતિમાં દાયકાઓથી જે તુષ્ટિકરણ અને વોટબેંકના આધારે સત્તાના સમીકરણો રચાતા હતા, તેનો હવે અંત આવી રહ્યો હોય તેવા સ્પષ્ટ સંકેતો પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઉદય, આસામમાં AIUDFનું પતન અને તમિલનાડુમાં સનાતન વિરોધી માનસિકતાને મળેલો પરાજય એ વાતની સાબિતી છે કે હવે મતદારો વિકાસ અને રાષ્ટ્રીય હિતને સર્વોપરી માની રહ્યા છે.
બંગાળમાં 'દિદી'ના કિલ્લામાં ગાબડું અને હુમાયૂં કબીરનું ફીંડલું
પશ્ચિમ બંગાળમાં આ વખતે ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે. ૨૮ થી ૩૦ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ રાજ્યમાં હંમેશા મુસ્લિમ વોટબેંક નિર્ણાયક રહી છે. જોકે, આ વખતે બાબરી મસ્જિદના નામે રાજનીતિ કરનારા હુમાયૂં કબીર કે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના પીરઝાદા નૌશાદ સિદ્દીકી જેવા નેતાઓને જનતાએ નકારી દીધા છે. મમતા બેનર્જીની તુષ્ટિકરણની નીતિને કારણે હિન્દુ મતદારો એકજૂટ થયા અને પરિણામે બંગાળની ધરતી પર પહેલીવાર કેસરિયુ પ્રભાત ખીલ્યુ છે.
આસામમાં અજમલનો 'કિંગમેકર' તરીકેનો દબદબો ખતમ
આસામમાં મુસ્લિમ વોટબેંકના જોરે વર્ષો સુધી શાસન કરનારા બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDF નો સફાયો થઈ ગયો છે. ૨૦૨૧માં જે અજમલ કિંગમેકર હતા, તે આજે માત્ર ૨ બેઠકો પર સમેટાઈ ગયા છે. કોંગ્રેસે પણ આ વખતે ધ્રુવીકરણના ડરથી અજમલનો સાથ છોડ્યો હતો, પરંતુ તેમ છતાં હિન્દુ મતો મેળવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. આસામની જનતાએ સતત ત્રીજીવાર ભાજપ પર ભરોસો મૂકીને સાબિત કર્યું છે કે ઘૂસણખોરી અને તુષ્ટિકરણ સામે હવે રાષ્ટ્રવાદનો વિજય થઈ રહ્યો છે.
તમિલનાડુમાં 'સનાતન વિરોધ' સ્ટાલિનને ભારે પડ્યો
દક્ષિણ ભારતમાં પણ રાજકીય પવન બદલાયો છે. તમિલનાડુમાં સનાતન ધર્મને મિટાવવાની વાતો કરનારા ઉદયનિધિ સ્ટાલિન અને તેમની પાર્ટી DMK ને જનતાએ સખત પાઠ ભણાવ્યો છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી TVK નો ઉદય એ સંકેત છે કે જનતા હવે હિન્દુ વિરોધી નિવેદનબાજી સાંખી લેવા તૈયાર નથી. દ્રવિડિયન રાજનીતિના ઓઠા હેઠળ ચાલતું તુષ્ટિકરણ હવે તમિલનાડુમાં પણ ફેઈલ ગયું છે.
રામજન્મભૂમિ આંદોલનથી શરૂ થયેલી વૈચારિક ક્રાંતિનો વિજય
રાજકીય વિશ્લેષકો માને છે કે ૧૯૯૦ના દાયકામાં રામજન્મભૂમિ આંદોલનથી જે વૈચારિક ક્રાંતિ શરૂ થઈ હતી, તે હવે વોટિંગ પેટર્નમાં રૂપાંતરિત થઈ છે. અગાઉ હિન્દુ મતોને જ્ઞાતિ-જાતિમાં વહેંચીને મુસ્લિમ વોટબેંક દ્વારા સત્તા મેળવવાની જે 'સેક્યુલર' ફોર્મ્યુલા હતી, તે હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે. શાહબાનો કેસ જેવી ઘટનાઓથી કંટાળેલો બહુમતી સમાજ હવે પોલિટિકલ યુનિટી બતાવી રહ્યો છે. આ પરિણામો માત્ર ભાજપની જીત નથી, પરંતુ ભારતની રાજનીતિમાંથી તુષ્ટિકરણના કેન્સરને નાબૂદ કરવાની દિશામાં એક મોટું કદમ છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
