તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ભારતીય મુસાફરના અચાનક ભારે હોબાળા અને વિચિત્ર વર્તનને કારણે પાયલટે લીધો મોટો નિર્ણય: વિમાનને એરપોર્ટ પર પરત વાળવું પડ્યું
મુસાફરની અસામાન્ય હરકતોને પગલે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને બેંગકોક પરત લાવવામાં આવી; મેડિકલ ટીમ દ્વારા મુસાફરને હટાવ્યા બાદ ૪૫ મિનિટ પછી ફ્લાઇટે મુંબઈ માટે ભરી પુનઃ ઉડાન.

મુંબઈ : આકાશમાં ઉડતી ફ્લાઇટ્સમાં મુસાફરો દ્વારા અશોભનીય વર્તન અને હોબાળાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (AI 2338) માં એક મુસાફરના વિચિત્ર અને ઉપદ્રવી વર્તનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે પાયલટે સુરક્ષાના કારણોસર માર્ગ વચ્ચેથી જ વિમાનને પરત બેંગકોક તરફ વાળી લેવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, એર ઈન્ડિયાની આ ફ્લાઇટે બુધવારે રાત્રે 8:20 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનમાં સવાર એક ભારતીય મુસાફર અસંતુલિત અને વિચિત્ર રીતે વર્તવા લાગ્યો તથા વિમાનની અંદર જ હોબાળો મચાવવા માંડ્યો. વિમાનમાં હાજર અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ દ્વારા તેને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં તેનું વર્તન અંકુશમાં આવ્યું ન હતું. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને પાયલટે તાત્કાલિક ધોરણે ફ્લાઇટને પરત બેંગકોક એરપોર્ટ પર જ લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો અને રાત્રે ૧૦:૪૦ વાગ્યે વિમાન સુરક્ષિત રીતે બેંગકોક પરત ઉતર્યું હતું.
વિમાન જમીન પર ઉતરતાની સાથે જ એરપોર્ટ સત્તાવાળાઓ અને મેડિકલ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને હોબાળો મચાવનાર મુસાફરને પોતાની કસ્ટડીમાં લઈને વિમાનમાંથી નીચે ઉતારી લીધો હતો. આ ઘટના બાદ વિમાનને તમામ સુરક્ષા તપાસમાંથી પસાર કરવામાં આવ્યું હતું અને આશરે ૪૫ મિનિટના વિલંબ બાદ ફ્લાઇટે ફરીથી મુંબઈ માટે પ્રયાણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો (ટોક્યો કન્વેન્શન) અનુસાર ફ્લાઇટની સુરક્ષામાં અડચણ ઊભી કરનાર કે શિસ્તભંગ કરનાર મુસાફરો સામે અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ છે, ત્યારે આ મામલે એર ઈન્ડિયા દ્વારા પણ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
