News of Friday, 3rd July 2026
૪૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ
વડાપ્રધાન મોદી ૧૦ જુલાઈએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લેશે આ પ્રવાસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર કેન્દ્રિત છે, જેનાથી બંને દેશો વચ્ચે વ્યાપાર વધશે

નવી દિલ્હી,તા.૦૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ જુલાઈએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લેશે. ૪૦ વર્ષમાં ભારતીય પીએમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ પ્રવાસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર કેન્દ્રિત છે, જેનાથી બંને દેશો વચ્ચે વ્યાપાર વધશે. તાજેતરમાં સેશેલ્સનો પ્રવાસ પૂર્ણ કરી પીએમ મોદી ભારતની ઇન્ડો-પેસિફિક આર્થિક વ્યૂહરચનાને મજબૂત કરી રહ્યા છે.
પોતાનો ત્રણ દિવસનો સેશેલ્સ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના બરાબર દસ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. છેલ્લા ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. જેને કારણે આ પ્રવાસને અત્યંત ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને શુક્રવારે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી ૧૦ જુલાઈએ ઓકલેન્ડ પહોંચશે અને ૧૧ જુલાઈએ પરત ફરશે.
આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડથી આવતી ૯૫ ટકા વસ્તુઓ પરની ડ્યુટી (ટેરિફ) નાબૂદ કરવામાં આવશે. જ્યારે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ જતા ૧૦૦ ટકા સામાનને ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. પીએમ લક્સને જણાવ્યું કે, ભારત વિશ્વની સૌથી મોટી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ વ્યાપાર કરારથી ન્યૂઝીલેન્ડના ૧૪૦ કરોડ લોકોનું મોટું બજાર મળશે, જેનાથી રોજગારી વધશે અને આર્થિક વૃદ્ધિ મજબૂત થશે.
વર્ષ ૨૦૨૪-૨૫માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧.૩ અબજ ડોલર રહ્યો હતો, જ્યારે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર આશરે ૨.૪ અબજ ડોલરે પહોંચ્યો છે. આ કરાર ભારતની ઈન્ડો-પેસિફિક આર્થિક વ્યૂહાત્મક નીતિને વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિヘતિતા વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે ભારત સાથેના સંબંધો આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
