તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
તેહરાનની હોસ્પિટલ પરના બોમ્બમારા બાદ કાટમાળમાંથી જીવતા બહાર કઢાયા હોવાનો ઈરાની સંસ્થાના સભ્યનો દાવો: અમેરિકી અને ઈઝરાયેલી હુમલા વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખામોનેઈ લાપતા થતાં મિસ્ટ્રી ઘેરાઈ
ઈરાનની 'અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ'ના સભ્યો દ્વારા હોસ્પિટલ પર હુમલા બાદ મુજતબા ખામોનેઈને રેસ્ક્યૂ કરાયા હોવાના સનસનાટીભર્યા ખુલાસા સાથે નેતાની વરણી, ઈજાગ્રસ્ત સ્થિતિ, ટ્રમ્પનું નિવેદન અને ગુપ્ત મતદાનના અનેક રહસ્યો બહાર આવ્યા

ન્યુ યોર્ક / તેહરાન: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ લશ્કરી પ્રહારો વચ્ચે ઈરાનના નવનિયુક્ત સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ મુજતબા ખામોનેઈને લઈને એક અત્યંત ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ઈરાનની પાવરફુલ સંસ્થા 'અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ'ના સભ્ય મોહસેન હેયદારીએ કતાર સ્થિત ટેલિવિઝન નેટવર્ક અલ અરબીને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, તેહરાનની જે હોસ્પિટલમાં મુજતબા ખામોનેઈની સારવાર ચાલી રહી હતી ત્યાં થયેલા બોમ્બમારા બાદ તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ૫૬ વર્ષીય મુજતબા ખામોનેઈ અજ્ઞાત સ્થળે જતાં રહ્યા છે અને ત્યારથી તેઓ જાહેરજીવનમાંથી સંપુર્ણપણે ગાયબ છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને સ્થિતિને લઈને સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે.
ન્યુ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના સભ્ય મોહસેન હેયદારીએ ખુલાસો કર્યો હતો કે મુજતબા ખામોનેઈ અગાઉના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ત્યારબાદ પણ તેહરાનની ત્રણ હોસ્પિટલો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ પૈકીની ત્રીજી હોસ્પિટલમાં મુજતબા દાખલ હતા, જ્યાં ઇમારત ધરાશાયી થયા બાદ તેમને કાટમાળમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુપ્ત ઓરડામાં કાગળ પર મતદાન કરીને કરાઈ હતી વરણી
ઈરાનના સર્વોચ્ચ નેતાની પસંદગી કરવાની બંધારણીય જવાબદારી ધરાવતી 'અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' પર પણ હુમલા થયા હોવાનું સામે આવ્યું છે. કોમ સ્થિત તેના સચિવાલય પર થયેલા બોમ્બમારામાં ૮ લોકોના મોત થયા હતા અને વરણી સંબંધિત મહત્વના દસ્તાવેજો નાશ પામ્યા હતા. આ હુમલા બાદ અત્યંત ગુપ્તતા વચ્ચે એક અજ્ઞાત ઓરડામાં સભ્યોએ કાગળની ચિઠ્ઠીઓ પર લખીને મતદાન કર્યું હતું. ૫૯ માંથી ૫૦ સભ્યોએ મુજતબા ખામોનેઈના સમર્થનમાં વોટ આપ્યો હતો, જ્યારે ૮ વોટ અયાતોલ્લાહ અલૌરેઝા અરાફીને મળ્યા હતા અને એક સભ્ય તટસ્થ રહ્યો હતો. ૮ માર્ચે જ્યારે ઈરાની સરકારી ટીવી પર તેમની વરણીની જાહેરાત થઈ ત્યારે ખુદ મુજતબાને પણ ખબર નહોતી કે તેમની પસંદગી થઈ ચૂકી છે. મોહસેન હેયદારીએ ઉમેર્યું હતું કે મુજતબા 'પડદા પાછળના માણસ' રહ્યા છે અને તેમણે ક્યારેય કોઈ સત્તાવાર રાજકીય પદ ભોગવ્યું નથી.
ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલો વચ્ચે પ્રમુખ પેઝેશ્કિયાનનો સાજા હોવાનો દાવો
અમેરિકી ઇન્ટેલિજન્સ અહેવાલો એવો સંકેત આપે છે કે હુમલા દરમિયાન મુજતબા ખામોનેઈના શરીરના ભાગોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે મુજતબા ખામોનેઈ જીવિત છે પરંતુ તેમના શરીરનો ડાબો ભાગ, હાથ અને પગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને આ તમામ દાવાઓને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ મુજતબાને મળ્યા હતા અને ૭ કલાક લાંબી ચર્ચા કરી હતી તથા તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સાજા-નરવા છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
