<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

NEET-UG 2026ના પેપર લીક મામલે દેશના 6 રાજ્યોમાં ફેલાયેલા સંગઠિત સિન્ડિકેટનો નોપર્દાફાશ :45 જેટલા ગઠિયાઓની સંડોવણી

શરૂઆતમાં આ પેપર 5 લાખ રૂપિયામાં વેચવામાં આવતું પરંતુ પરીક્ષાના છેલ્લા કલાકોમાં ગઠિયાઓએ તેની કિંમત ઘટાડીને માત્ર 30 હજાર રૂપિયા કરી દીધી

નવી દિલ્હી :દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક મામલે તપાસ એજન્સીઓએ 'ઓપરેશન ક્લીન' હેઠળ મોટી સફળતા મેળવી છે. નાસિકથી લઈને રાજગીર સુધી ચાલેલી આ તપાસમાં 6 રાજ્યોમાં ફેલાયેલા એક અત્યંત સંગઠિત સિન્ડિકેટનો ખુલાસો થયો છે, જેમાં અત્યાર સુધીમાં 45 જેટલા ગઠિયાઓની સંડોવણી સામે આવી છે.

 

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ રેકેટ મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને કેરળ સુધી વિસ્તરેલું હતું. આ મામલે મહારાષ્ટ્રના નાસિક થી શુભમ ખેરનાર નામના મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ભોપાલમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ પરીક્ષાના થોડા દિવસો પહેલા જ ગેસ પેપરની હાર્ડ કોપી મેળવી હતી અને ત્યારબાદ તેની સોફ્ટ કોપી હરિયાણાના અન્ય સાગરીતોને મોકલી આપી હોવાનો આક્ષેપ છે. રાજસ્થાન એસઓજી (SOG)ના મતે, પેપર લીકનું ઉદ્ગમ સ્થાન નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસ હોવાની પ્રબળ શક્યતા છે.

 

બિહારના રાજગીરમાં 3 મેના રોજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. આ કારમાંથી પોલીસને મોટી માત્રામાં રોકડ રકમ અને અનેક પરીક્ષાર્થીઓના એડમિટ કાર્ડ મળી આવ્યા હતા. કાર ચલાવનાર વ્યક્તિએ પોતાની ઓળખ MBBS વિદ્યાર્થી તરીકે આપી હતી. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ નેટવર્કના મહત્વના કડી હોવાનું મનાય છે.

 

રાજસ્થાન એસઓજીએ ઉત્તરાખંડના દહેરાદૂનથી માસ્ટરમાઈન્ડ રાકેશ કુમાર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. સીકરનો રહેવાસી રાકેશ કરિયર કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેને કેરળના એક પરીક્ષાર્થી પાસેથી 410 પ્રશ્નોની બેંક મળી હતી, જેમાંથી 150 પ્રશ્નો અસલી પેપર સાથે હૂબહૂ મળતા આવતા હતા.

 

શરૂઆતમાં આ પેપર 5 લાખ રૂપિયામાં વેચવામાં આવતું હતું, પરંતુ પરીક્ષાના છેલ્લા કલાકોમાં ગઠિયાઓએ તેની કિંમત ઘટાડીને માત્ર 30 હજાર રૂપિયા કરી દીધી હતી જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આકર્ષી શકાય.

 

આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ચાર સ્તરે કામ કરતું હતું-

પેપર લીકર્સ: પ્રિન્ટિંગ પ્રેસ કે ટ્રાન્સપોર્ટ દરમિયાન પેપરની ચોરી કરવી.

સોલ્વર્સ: મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા પેપર સોલ્વ કરાવવું.

ઈમ્પર્સોનેટર્સ: અસલી વિદ્યાર્થીને બદલે બીજાને પરીક્ષા આપવા બેસાડવા.

એજન્ટ્સ: કોચિંગ સેન્ટર્સ અને કાઉન્સેલર્સ દ્વારા ગ્રાહક (વિદ્યાર્થીઓ) શોધવા.

 

પેપર લીકની પુષ્ટિ થયા બાદ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG 2026ની પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. સમગ્ર મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે તપાસ CBIને સોંપી દીધી છે. હવે સૌની નજર સીબીઆઈ તપાસ અને પરીક્ષાની નવી તારીખ પર છે.

(11:32 PM IST)