તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
કાકાસાહેબ કાલેલકરઃ મરાઠી માતૃભાષા છતાં ગુજરાતી ગદ્યને સમૃદ્ધ કરનાર મહાન સર્જકની આજે ૪૫મી પુણ્યતિથિ
ગાંધીવિચાર, સાહિત્ય અને રાષ્ટ્રસેવાનો અવિસ્મરણીય સંગમ

સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાષી, પત્રકાર અને સમાજસુધારક કાકાસાહેબે ગુજરાત વિદ્યાપીઠથી લઈને રાજ્યસભા સુધી રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય પ્રદાન કર્યું મહાત્મા ગાંધીના નિકટના સાથી અને ‘સવાઈ ગુજરાતી' તરીકે જાણીતા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની આજે પુણ્યતિથિ છે. ગુજરાતી તેમની માતૃભાષા ન હોવા છતાં તેમણે ગુજરાતી ભાષા, પ્રવાસસાહિત્ય, લલિત નિબંધ, શિક્ષણ અને પત્રકારત્વને સમૃદ્ધ બનાવ્યાં. પદ્મવિભૂષણથી સન્માનિત કાકાસાહેબનું જીવન રાષ્ટ્રસેવા અને માનવતાનું પ્રેરણાદાયી પ્રકરણ છે.
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ પહેલી ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો. દેશભરમાં તેઓ ‘કાકાસાહેબ કાલેલકર' તરીકે જાણીતા બન્યા. તેઓ સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવાદી વિચારક, શિક્ષણશાષાી, પત્રકાર, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. ૨૧ ઑગસ્ટ, ૧૯૮૧ના રોજ નવી દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.
કાકાસાહેબનો મહાત્મા ગાંધી સાથેનો પરિચય તેમના જીવનમાં નિર્ણાયક બન્યો. તેઓ સાબરમતી આશ્રમ સાથે જોડાયા અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લેતાં અનેક વખત કારાવાસ પણ ભોગવ્યો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અને વિકાસમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી તથા વર્ષો સુધી આચાર્ય અને કુલનાયક તરીકે સેવા આપી. ગુજરાતી ભાષા ઉપરના તેમના અસાધારણ પ્રભુત્વ અને સર્જનાત્મક પ્રદાનથી પ્રભાવિત થઈ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી'નું બિરુદ આપ્યું હતું.
‘હિમાલયનો પ્રવાસ', ‘બ્રહ્મદેશનો પ્રવાસ', ‘રખડવાનો આનંદ', ‘સ્મરણયાત્રા', ‘જીવનનો આનંદ', ‘જીવનલીલા' અને ‘ઓતરાતી દીવાલો' સહિતના તેમના ગ્રંથોએ ગુજરાતી ગદ્ય અને પ્રવાસસાહિત્યને નવી ઊંચાઈ આપી. તેમના લેખનમાં પ્રકૃતિપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, જીવનદર્શન, માનવતા અને રાષ્ટ્રભાવનાનો સુંદર સમન્વય જોવા મળે છે.
કાકાસાહેબ ૧૯૫૨થી ૧૯૬૪ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. વર્ષ ૧૯૫૩માં તેમને દેશના પ્રથમ પછાત વર્ગ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે પાછળથી ‘કાલેલકર પંચ' તરીકે જાણીતું બન્યું. વર્ષ ૧૯૫૯માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ પણ બન્યા હતા.
રાષ્ટ્ર અને સાહિત્ય ક્ષેત્રની તેમની વિશિષ્ટ સેવાઓ બદલ ભારત સરકારે વર્ષ ૧૯૬૪માં તેમને ‘પદ્મવિભૂષણ'થી સન્માનિત કર્યા હતા. તેમના ‘જીવન-વ્યવસ્થા' ગ્રંથને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. કાકાસાહેબ કાલેલકરની પુણ્યતિથિએ તેમના વિચારો, રાષ્ટ્રસેવા અને સાહિત્યસાધનાને કોટિ-કોટિ વંદન.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
