<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

એકતાનગરમાં હરિયાળી ક્રાંતિની અભૂતપૂર્વ પહેલ: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે માત્ર ચાર વર્ષમાં ૨૦.૨૨ લાખ રોપાંનું વ્યાપક વાવેતર કરીને પ્રવાસન સાથે પર્યાવરણ સંરક્ષણનો રચાયો નવો ઇતિહાસ

વિશ્વપ્રસિદ્ધ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના સાંનિધ્યમાં કેવડિયા વન વિભાગ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ ગ્રીન પ્રોજેક્ટથી ટકાઉ વિકાસ (Sustainable Development) અને પ્રાકૃતિક સૌંદર્યને મળી છે નવી ઊંચાઈ.

એકતાનગર (કેવડિયા), : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતેથી પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસની દિશામાં એક અત્યંત પ્રેરણાદાયી અને ભગીરથ પહેલ સામે આવી છે. વિશ્વપ્રસિદ્ધ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ના સાંનિધ્યમાં ધમધમતા આ વૈશ્વિક પ્રવાસન ધામને માત્ર પ્રવાસન કેન્દ્ર સુધી સીમિત ન રાખતા, તેને કુદરતી સૌંદર્ય અને પર્યાવરણની રક્ષા સાથે જોડવા માટે 'ગ્રીનિંગ ઓફ એકતાનગર' પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં કુલ ૨૦.૨૨ લાખથી વધુ રોપાંનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

કેવડિયા વન વિભાગ અને SOUADTGA ના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ એકતાનગર વિસ્તારમાં હરિયાળીને પ્રોત્સાહન આપવા સાથે પ્રાકૃતિક પરિસરનું સઘન જતન કરવાનો છે. નર્મદા નદી, સરદાર સરોવર ડેમ તેમજ સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની પ્રાકૃતિક ગોદમાં વસેલું આ સ્થળ પ્રવાસીઓ માટે પહેલેથી જ આકર્ષક રહ્યું છે, પરંતુ હવે આ વિપુલ વૃક્ષારોપણથી આ ક્ષેત્રની આબોહવા અને હરિયાળીમાં ચાર ચાંદ લાગી ગયા છે. પ્રવાસન પ્રવૃત્તિઓની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને કુદરતી સંપદાના સંવર્ધનનો આ અભિગમ ટકાઉ વિકાસના લક્ષ્યોને મજબૂત કરી રહ્યો છે.

 

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર રીતે વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે, જેની વર્ષવાર વિગતો ખૂબ જ પ્રોત્સાહક છે. વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં ૪.૫૫ લાખ, વર્ષ ૨૦૨૪ માં ૫.૬૭ લાખ, વર્ષ ૨૦૨૫ માં ૫.૦૦ લાખ અને વર્ષ ૨૦૨૬ માં વધુ ૫.૦૦ લાખ રોપાં વાવીને કુલ ૨૦,૨૨,૦0૦ રોપાં ધરતી પર રોપવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર વૃક્ષોનું વાવેતર કરીને સંતોષ નથી માનવામાં આવ્યો, પરંતુ રોપાંનું નિયમિત જતન, સમયસર સિંચાઈ, સ્થાનિક આબોહવાને માફક આવે તેવી પ્રજાતિઓની પસંદગી અને રોપાંના જીવંત રહેવાના દર (Survival Rate) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણ દ્વારા દેશને એક તાંતણે બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, અને તેમની ૧૫૧મી જન્મજયંતિના પાવન પર્વે એકતાનગરમાં થયેલું આ હરિત વાવેતર રાષ્ટ્રીય એકતાની ભાવનાને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી સાથે જોડવાનું ઉત્તમ પ્રતીક બની ગયું છે. આ પહેલથી માત્ર પ્રવાસીઓ માટે એક સ્વચ્છ, હરિયાળું અને તાજગીભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું નથી, પરંતુ આવનારી ભાવી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણના નિર્માણનો એક મજબૂત સંદેશ પણ આપવામાં આવ્યો છે.

(6:26 PM IST)