તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કોલંબિયામાં મોતના મુખમાં ધકેલાતા ૮૦ હિપ્પોપોટેમસને બચાવવા અનંત અંબાણી આગળ આવ્યા: વનતારામાં આજીવન આશરો આપવાની પ્રસ્તાવના
કોલંબિયાના સ્થાનિક નાગરિકો દ્વારા પણ પ્રાણીઓને મારવા સામે ભારે વિરોધ, રસ્તા પર ઉતરીને બેનરો સાથે પ્રદર્શન: કોલંબિયામાં હિપ્પોપોટેમસની સંખ્યા વધતા તેમને મારી નાખવા સરકારી યોજના બની રહી છે

કોલંબિયા: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં ૮૦ જેટલા હિપ્પોપોટેમસના જીવ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે તેમને બચાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી અનંત અંબાણીએ એક મોટી અને જીવદયા પ્રેમી પહેલ કરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, કોલંબિયામાં આ વન્યજીવોની સંખ્યા વધતા તેમને મારી નાખવાની યોજના બની રહી છે. આ નિર્દોષ પ્રાણીઓને મોતના મુખમાંથી ઉગારવા માટે અનંત અંબાણીએ કોલંબિયાની સરકારને એક ભાવનાત્મક અપીલ કરી છે. તેમણે આ તમામ ૮૦ હિપ્પોપોટેમસને બચાવીને ગુજરાતના જામનગર સ્થિત તેમના વિશ્વકક્ષાના વન્યજીવ સંરક્ષણ અને બચાવ કેન્દ્ર વનતારામાં લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
શ્રી અનંત મુકેશભાઈ અંબાણીએ ખાતરી આપી છે કે આ તમામ પ્રાણીઓને વનતારામાં આજીવન સુરક્ષિત અને સંપૂર્ણ પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડવામાં આવશે, જ્યાં તેમની યોગ્ય દેખભાળ થઈ શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયાની આ ભાવનાની ભારે પ્રશંસા થઈ રહી છે.
કોલંબિયા સરકારના આ પ્રાણીઓને ખતમ કરવાના નિર્ણય સામે માત્ર બહારથી જ નહીં, પરંતુ ખુદ કોલંબિયામાં પણ ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી વિવિધ તસવીરો અને વિગતો મુજબ, સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો પોતાના હાથમાં મોટા બેનરો પકડીને આ પ્રાણીઓને ન મારવા માટે સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.
બેનરોમાં સ્પષ્ટ સંદેશ લખવામાં આવ્યો છે કે આ પ્રાણીઓ માટે આ જગ્યા જ તેમનું ઘર છે. આવા કપરા સમયે જ્યારે સ્થાનિક લોકો પણ આ પ્રાણીઓના અસ્તિત્વ માટે લડી રહ્યા છે, ત્યારે શ્રી અનંત અંબાણી દ્વારા વનતારામાં તેમને આશ્રય આપવાની રજૂઆત આ ૮૦ અબોલ જીવો માટે આશાનું નવું કિરણ સાબિત થઈ છે.
કોલંબિયા સરકાર આ અપીલ પર શું હકારાત્મક નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
