<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અનંત અંબાણીએ વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા

મંદિરમાં જળાભિષેક કરી ૫ કરોડ રૂપિયા અને ૨૧ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે મા અન્નપૂર્ણાનું પૂજન કરી ૧ કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું

વારાણસી તા.૨૫: વારાણસીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર અનંત અંબાણીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા, તેમજ મા અન્નપૂર્ણા મંદિરના દર્શન અને વિધિવત પૂજન કરીને બાબા વિશ્વનાથના દરબારમાં ૫ કરોડ રૂપિયા અને મા અન્નપૂર્ણાના ચરણોમાં ૧ કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.

અનંત અંબાણીએ બંને મંદિરોમાં પૂરા વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્‍યાણની કામના કરી હતી. તેમની આ ધાર્મિક યાત્રા દરમિયાન મંદિરોમાં ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અનંત અંબાણી સોમવારે સાંજે પોતાના ખાનગી વિમાન દ્વારા વારાણસી પહોંચ્‍યા હતા અને ત્‍યારબાદ સૌથી પહેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્‍યા હતા, જ્‍યાં ગર્ભગૃહમાં બાબાના દર્શન, જળાભિષેક અને પૂજન કરીને આશરે ૫ મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી.

આ દરમિયાન મંદિર પ્રશાસન તરફથી તેમને રુદ્રાક્ષની માળા અને અંગવષ પણ ભેટ આપવામાં આવ્‍યા હતા, અને અહીં તેમણે મંદિર ન્‍યાસને ૫ કરોડ રૂપિયાનું દાન આપ્‍યું હતું. ત્‍યારબાદ અનંત અંબાણી અહીંથી મા અન્નપૂર્ણા મંદિર પહોંચ્‍યા હતા, જ્‍યાં ૨૧ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે તેમણે માતાનું ષોડશોપચાર પૂજન અને કુમકુમાર્ચન કર્યું હતું, તેમજ મા અન્નપૂર્ણાના ચરણોમાં ૧ કરોડ રૂપિયા અર્પણ કરીને મંદિરના અન્નક્ષેત્રમાં સહયોગ આપવાનો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

નોંધનીય છે કે અનંત અંબાણી આ પહેલા પણ ૧૬ જૂન ૨૦૨૬ ના રોજ કાશી પહોંચ્‍યા હતા અને બાબા વિશ્વનાથ તથા મા અન્નપૂર્ણાના દર્શન કર્યા હતા. હિન્‍દુ ધર્મ પ્રત્‍યે અંબાણી પરિવારની આસ્‍થા કોઈનાથી છૂપી નથી, કારણ કે પરિવારનો કોઈને કોઈ સભ્‍ય અવારનવાર દેશના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરવા પહોંચતો હોય છે અને નવરાત્રિ જેવા પાવન પર્વને પણ ખૂબ જ ધામધૂમ તથા શ્રદ્ધા સાથે ઉજવે છે.

(10:10 AM IST)