તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે અનંત અંબાણીનો પ્રેરણાદાયી ખુલાસો: ૯ લાખથી વધુ ગાયોની સંભાળ રાખતા હોવાનો દાવો કરીને જીત્યા લાખો લોકોના દિલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીનો વાયરલ વિડિયો; કતલખાનાઓમાંથી ગાયોને બચાવવા માટે ૮ રાજ્યોમાં ૧૦૦ એમ્બ્યુલન્સનું નેટવર્ક કાર્યરત હોવાની આપી માહિતી.

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીનો એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવનાત્મક વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ગૌરક્ષા અને પશુ કલ્યાણ માટે પોતાના સમર્પણ અને કાર્યો વિશે ખુલાસો કર્યો છે. આ વિડિયોમાં અનંત અંબાણીએ જણાવ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે લગભગ ૯ લાખ ગાયોના રક્ષણ અને સંભાળ સાથે જોડાયેલા છે. આ તમામ ગૌમાતાઓમાં આશરે ૭ લાખ ગાયો એવી છે જે વિવિધ કારણોસર, જેમ કે અકસ્માતનો ભોગ બનવાને કારણે, દૂધ આપવા સક્ષમ નથી, જ્યારે અન્ય ગાયોને જોખમી સ્થિતિમાંથી બચાવીને આશ્રયસ્થાનોમાં લાવવામાં આવી છે.
ગૌરક્ષાના આ વિશાળ અભિયાન વિશે વિગતવાર વાત કરતા અંબાણીએ જણાવ્યું હતું કે તેમની સમર્પિત ટીમ એવા બે-ત્રણ રાજ્યોમાં પણ સક્રિયપણે કામ કરી રહી છે જ્યાં કાયદેસર રીતે કતલખાનાની મંજૂરી છે, અને ત્યાંથી હજારો ગાયોને સુરક્ષિત રીતે બચાવીને લાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રકારે આશરે ૫૦,૦૦૦ જેટલી ગાયોના પ્રાણ બચાવવામાં આવ્યા છે. ગાયોની યોગ્ય સારવાર અને કટોકટીના સમયે તબીબી સહાય મળી રહે તે માટે ૮ અલગ-અલગ રાજ્યોમાં ૧૦૦ જેટલી એમ્બ્યુલન્સનું વિશેષ નેટવર્ક પણ કાર્યરત કરવામાં આવ્યું છે. પોતાની દિનચર્યા વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમના નિવાસ્થાને ૬ ગાયો છે અને તેઓ રોજ સવારે કામ પર નીકળતા પહેલા તેમની સેવા અને માલિશ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌરક્ષા ક્ષેત્રના કાર્યોને તેમણે પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પર આ વિડિયો સામે આવ્યા બાદ યુઝર્સે અનંત અંબાણીની આ પરોપકારી પહેલના મુક્ત કંઠે વખાણ કર્યા છે અને તેમને 'અમૂલ્ય રત્ન' ગણાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનંત અંબાણીએ મુંબઈના પ્રખ્યાત 'લાલબાગચા રાજા' ના દર્શન દરમિયાન 'સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઇપ 1' નામની દુર્લભ બીમારીથી પીડિત ૨૩ મહિનાના માસૂમ બાળક વેદાંશ સિંહની ૯ કરોડ રૂપિયાની મોંઘી જીન થેરાપી સારવારનો બાકીનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના આ સેવાકીય કાર્યો આજે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
